Friday, January 17, 2025
ગુજરાતના પ્રવાસન સ્થળો સાબરકાંઠા
૧) ઇડર
👉ઈડર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લાનો મહત્વના તાલુકા ઈડર તાલુકામાં આવેલું ઐતિહાસિક નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. અમદાવાદથી 120કિ.મી. ઉત્તરે આવેલું અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે વિકસેલું નગર છે.
અસલનું એ પ્રથમ વર્ગ 1નું પ્રગતિશીલ રજવાડું જ હતું.
કિલ્લાઓ,ખનિજસંપતિ,અરવલ્લીડુંગરમાળાઓ,પાણીના સરોવર વનરાજી, ભરપૂર હતાં. ખનિજ સંપતિ મામલે આરસોડિયા,કડીયાદરા અને આસપાસના વિસ્તારોમાં રાજશાહીના ટાઈમના જુના પુસ્તકોમાં ખૂબ વાંચવા મળ્યું.ઈડરગઢ પર અનેક આક્રમણ સામે એ અજેય રહેલો.તેથીજ લગ્નની જાન પરણીને આવે ત્યારે "અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો..!" એ લોકગીત ગવાય છે હજી.
👉ઈડરનુ પ્રાચીન નામ ઈલ્વદુર્ગ હતુ, જેનો અર્થ ઈલ્વનો કિલ્લો થાય છે. અપભ્રંશ થઈને તે ઈડર થયું.આતાપી અને વાતાપી નામના ભાઈઓનું રાજ અને અગત્સ્યમુનિ નામના બળવીર અહીં આવે છે ત્યાં સુધીની પુરાણી વાતો વાંચવા મળે.ગુણવંત આચાર્ય જેવા સો થી વધુ નવલકથાઓના સર્જકે "ઈડરિયો ગઢ" નામે સુંદર નોવેલ લખી તે મેં વાંચી છે. તેમાં પૃથ્વીરાજ ચૌહાણ,જયચંદ,મોહમ્મદ ઘોરીના યુદ્ધ અંગેની રસિક વિશદ વાતો-પ્રકરણોમાં છે.
👉તેમાં ય આજે કોઈક કારણસર "દટણ સો પટ્ટણ" થયેલા પોલોના વિજયનગરનાં જંગલો વચ્ચે પહાડો નજીકના પ્રાચીન નગર,જૈન મંદિર(આ મુખ્ય મંદિર અતિ વિશાળ અને ખૂબ ઉચ્ચ કક્ષાની કળા-કોતરણી વાળું અને સાથે અન્ય મંદિરો જોતાં મોટું વિકસિત નગર અગાઉ હશે જ.આજે તો એની જાળવણીના અભાવે આસપાસ જંગલ જ છે,કોઈ વસ્તી નહીં.પ્રવાસીઓ ક્યારેક વધુ બગાડી જાય. વધુ દેખરેખની જરૂર છે.
ઈંગ્લેન્ડ કે ઈટાલીમાં આવું હોય તો ઉચ્ચતમ જાળવણી તો થાય પણ,વર્ષે વિશ્વભરમાંથી ત્યાં કરોડો પ્રવાસીઓ આવી શકે એવું આયોજન થાય જ.નવનિર્મિત સરદાર સરોવર પ્રકલ્પ સરદાર પ્રતિમા માટે કરે તેવું તો અહીં જ થવું ઘટે.સરકાર તો ઠીક ,લોકો ય સંસ્કૃતિ જાળવણી માટે થોડા ઉદાસીન જ.હૈયું બળી જાય મારુ આવું લખતાં તો મિત્રો ,માફ કરજો.એ 5 સદી અગાઉના બંધાયેલા અડીખમ પથ્થરની કોતરણી વાળા સુંદરતમ મંદિરો અવાવરુ છતાં મજબૂતી સાથે જળવાઈ રહ્યાં છે. પણ દરેક ઈમારતો માં પીપળાઓ ઊગી નીકળ્યા છે.સરકાર કશું જ કરતી જ નથી.હું ત્યાં રહેતો હોત તો નિસરણી લાવી એ પીપળાઓ દૂર કરત જ.એટલું તો થઈ શકે જ.
ઈડરગઢ માટે મને ખુબ હૈયાનું ખેંચાણ અનુભવાય છે.😢માટે જે ઈડરનાદુર્ગથી અહીં જૈનમંદિર સુધીની સુરંગ બધી વાતો અને આજે ય કલ્પી શકાય એ પહાડો અને જંગલોની ગીચતા જોતાં..! 40 km જેટલું દૂર ઈડરગઢથી અંતર છે.તો ત્યારે તો એ દુર્ગમ જ હોય ને..!કદાચ ગિરનાર જેટલી જ આ અરવલ્લીમાં પહાડોની પ્રાચીનતા હશે.હિમાલય તો બાપડો બહુ "જુવાન" કહી શકીએ,ગિરનાર-અરવલ્લી ના પ્રમાણમાં.
મેં સ્થળે જઈ એ પહાડો પર ચડી ઈડરમિત્રો મયંક પટેલ-સારંગ પટેલ સાથે ખાતરી કરેલ છે.એ પોળોનાં જંગલોમાં બર્ડ વૉચિંગ માટે ઉત્તમ સ્થળો જ,ત્યાં ઘણી જાતનાં પક્ષીઓ જોઈ શકો,અમને મયંકભઈએ ચિલોત્રો ય બતાવેલો ગાઢ જંગલમાં.
જય ઈડરગઢ.🏞🙏
ભૂગોળ :
🌹🌹🌹
ભૌગોલિક સ્થાન :
ઈડર નગર ભૌગોલિક રીતે ૨૩.૮૩° N ૭૩.૦° E. પર આવેલું છે. સમુદ્રની સપાટીથી આ શહેરની સરેરાશ ઉંચાઈ૧૯૫ મીટર (૬૩૯ ફીટ) જેટલી છે.
આબોહવા :
🌹🌹🌹🌹
શિયાળામાં ઓછામાં ઓછું તાપમાન ૯o સે.,ઉનાળામાં સૂકી હવા તાપમાનમાં વધારો કરે છે .જેના કારણે ઉનાળામાં મહત્તમ તાપમાન ૫૨o સે. સુધી પહોંચી જાય છે, સામાન્ય રીતે અહીં વિષમ આબોહવા હોય છે.ગરમી વધુ પડતી પડે ,જંગલો ના રહ્યાં અને એમાં ગ્રેનાઈટની શિલાઓ ખૂબ તપે ઉનાળે..!એ ગરમી તો માનવીની ભૂલનું જ પરિણામ છે.ખૂબ વૃક્ષ છેદન થઈ ચૂક્યું છે, એ જ કારણે.
આજથી 90 વરસ અગાઉ મારા દાદા ત્યાં રહેતા .ત્યારે તો વાઘ દીપડા આવતા એવું મને એઓ કહેતા બચપણમાં.મતલબ કે જંગલો જ હતા ઈડર આસપાસ.જે ફરી વાવી શકાય છે થોડા જ વર્ષોના પ્રયાસથી.થોડા મિત્રો એ વાવવા માટે પ્રયત્નશીલ છે,ઈચ્છીએ કે એઓના પ્રયાસ એક આંદોલન બની જાય અને ઈડરના તાપમાનમાં થોડા અંશનો ઘટાડો નોંધાય,પ્રભુ.🌳🙏
જોવાલાયક સ્થળો :
ઈડરિયો ગઢ :
🌹🌹🌹🌹
પવિત્ર ઝરણેશ્વર મહાદેવનું મંદિર: ઈડર ગઢના બે-ચાર પગથિયાં ચડતાની સાથે જ ડાબી બાજુએ એક પ્રાકૃતિક ગુફામાં આ મંદિર આવેલું છે.શિવલિંગ પર કુદરતી રીતે જ મીઠા ઝરણા દ્વારા અભિષેક થતો હોવાથી આ સ્થળ ઝરણેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. વિશાળ પત્થરની વચ્ચે નીચે ગુફામાં ઉતરતાં જ શિવલિંગના દર્શન થાય છે.
🏰રાજ મહેલ.
🎪મહાકાળી મંદિર.
🏛રૂઠી રાણીનું માળિયું.
🕌નવગજાપીરની દરગાહ તેમજ બગીચો.
🎪પુરાતન પંચમુખી મહાદેવનું મંદિર.
પાતાળ કુંડ:
🌹🌹🌹
લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે વર્ષો પહેલાં આ પ્રદેશમાં વેણીવચ્છરાજ નામે એક રાજા હતો. જેનો જન્મ ઈલ્વદુર્ગના ડુંગરોમાં થયો હતો. આજે પણ ઈડરગઢ પર વેણીવચ્છરાજ કુંડ હયાત છે. કહેવાય છે કે વેણીવચ્છરાજની માતા હિમાલયના ગઢવાલ તહેરી પ્રદેશમાં આવેલા શ્રીનગર ગામના રાજાની રાણી હતી. જ્યારે તે ગર્ભવતી હતી, ત્યારે ગરજ નામનો યક્ષીરાજ તેને ઈડરના ડુંગરોમાં લઈ આવ્યો હતો. જેથી વેણીવચ્છરાજનો જન્મ ઈડરમાં થયો. ત્યાર બાદ વેણીવચ્છરાજ મોટો થયો અને અહીં પોતાનું રાજ્ય સ્થાપ્યું અને કેટલાક વર્ષ અહી રાજ કર્યુ. દંતકથા પ્રમાણે વેણીવચ્છરાજનો વિવાહ એક નાગકન્યા સાથે થયો હતો.
૧) દિગંબર/શ્વેતાંબર જૈન દેરાસરો
૨) હિંગળાજ માતાજી, વજરેશ્વરી માતાજી, જ્વાળા માતાજીના મંદિરો,
૩) લખુંમા તળાવ/ શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ.
૪) પ્રખ્યાત દુર્ગમ રણમલ ચોકી,
૫) ભુરાબાવાની ગુફા.ઘણું જોવા મળશે.
👉આ ઉપરાંત ઈડરિયા ગઢ ઉપર તળાવ, પવન પાવડીઓ, સર્પ આકારના પથ્થરો, મહેલની પાસે આવેલો પાણીપૂરી-પકોડી આકાર ધરાવતો,ગણેશ જેવા વિવિધ આકર્ષક કુદરતી પથ્થર તેમજ સનસેટ પોઈન્ટ જેવા સ્થળો આવેલા છે. અહીં આશરે ત્રણ કિલોમીટરના અંતરે ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રની ભૂમિ તરીકે જાણીતું શ્રીમદ રાજચન્દ્ર વિહાર નામનું દિવ્ય સ્થળ આવેલું છે. શહેરમાં પથ્થરની ગુફા અંદર ખોખાનાથ, ચંદ્રેશ્વર, મહંકાલેશ્વર, કાકલેશ્વર નામના શિવાલયો આવેલા છે. ખોખનાથ મહાદેવની બિલકુલ પાસે પ્રાચીન કુંડ જોવાલાયક સ્થળ છે. શહેરમાં અનેકો મંદિરો જોવાલાયક છે. સાથે ઈડર ઘાટી ઉતરતા પૌરાણિક વાવ આવેલી છે.
રાણીના સ્નાન માટે બનાવવામાં આવેલું રાણી તળાવ આવેલું છે જ્યાં હાલ મધ્યમાં જૈન મંદિર બનેલું છે.બહુ વિશાળ જલરાશી ધરાવે રાણી તળાવ.
મંદિરની પાછળ પાંજરાપોળ જોવાલાયક છે.આ ઉપરાંત ઈડરમાં આશરે ૮થી ૧૦ હજાર વર્ષ જૂના શીલાચૈત્રી ગુફાના અવશેષો પણ જોવાલાયક છે. જે સાપવાડા, લાલોડા, ગંભીરપુરામાં આવેલા છે. ઘણાખરાં નામશેષ થયાં છે.શહેરની વચ્ચે આવેલો ટાવર શહેરની શોભા વધારે છે જે જોવાલાયક છે.
ટાવરની બાજુમાંથી જઈએ તો લાકડાનું રમકડાં બજાર આવેલું જે ઈડરને આગવી ઓળખ અપાવે છે. ઈડરમાં આવેલા શીલા ઉદ્યાન અને આયુર્વેદ વનની મુલાકાત હર કોઈ અવશ્ય કરે છે. શહેરમાં આવેલી ૧૩૦ વર્ષ ઉપર જૂની ઈડરની સર પ્રતાપ હાઈસ્કૂલ પણ જોવા લાયક છે, જ્યાં ઉમાશઁકર જોશી તેમજ પન્નાલાલ પટેલ અભ્યાસ કરી ચુક્યા છે. સદાતપુરામાં આવેલ અરવિંદ ત્રિવેદીનું મકાન જ્યાં તે અવારનવાર આવતા જતા હોય છે. ઈડરિયા ગઢ ડુંગર પાછળ આવેલું કર્ણનાથ મહાદેવનું પૌરાણિક મંદિર અને તેની પાસે આવેલ બાળ-ગંગા નામનું પવિત્ર સ્થળ પણ જોવાલાયક છે. સાથે ગોધમજીમાં સદ્દગુરુનું સ્થાન અને ત્યાંથી સાબલી જઈએ ત્યાં મહાકાળી માતાનું ગુફામાં મંદિર પણ જોવાલાયક છે.
: મુખ્ય વિસ્તારો :
🌹🌹🌹🌹🌹
બસ સ્ટેશન, શ્રી નગર, રેલવે સ્ટેશન, બરેલા તળાવ વિસ્તાર, કોલેજ રોડ, વલાસણા રોડ ઉપર આવેલા ઉમિયાનગર, શુભ સીટી, કલરવ સોસાયટી, આનંદનગર સોસાયટી, ટાવર પાસે સાગરવાડા, ગઢવાડા, ખરાદી બજાર, કસ્બા વિસ્તાર વગેરે ઈડરના મુખ્ય વિસ્તારો છે.
ત્યાં એકવાર જાતે જઈને જુઓ મિત્રો.
આજે ઈડરના ગઢ વિસ્તારમાં પ્રવાસનખાતું
વિકાસ કરી એને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી રહ્યું છે.
ભૂલો રે પડ્યો રે હંસો..આંગણે આવીને..!જય ઈડરગઢ.
🙏🙏🙏🌹🌹🌹🌷🌷🌷
૨) રૂઠી રાણીનું માળિયું
રાણી જ્યારે રુઠતા ત્યારે અહીં આવતા એ જગ્યા છે
ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકા ખાતે આવેલ ઇડર ગઢ અને ઈડર ગઢની બાજુમાં આવેલા સૌથી ઊંચા ડુંગર ઉપર બનાવવામાં આવેલું રૂઠી રાણીનું માળિયું વર્ષ 1573 માં બનાવવામાં આવ્યું હતું. જેમાં રાણી જ્યારે રુઠતા હતા ત્યારે પોતાનો ઘોડો લઈને તે ડુંગર ઉપર આવેલા માળીયામાં જઈને રહેતા હતા અને ત્યારબાદ રાજા જઈને તેમને મનાવીને પરત લઈને આવતા હતા.આજે પણ પ્રવાસીઓ રૂઠી રાણીના માળિયાની મુલાકાત લેવાનું ભૂલતા નથી.
૩) ઝરણેશ્વર મહાદેવ
સમુદ્રની સપાટીથી 195 મીટર એટલે કે 639 ફીટની ઉંચાઈએ આવેલ ઈડરના ગઢ અનેક પ્રાચીન સ્થાપત્યોને જાળવીને બેઠા છે. ગઢની અંદર જ આવેલું ઝરણેશ્વર મહાદેવ પર ધોમધખતા ઉનાળામાં પણ શીતલ જળનો કુદરતી અભિષેક થતો હોય છે. વિશાળ પથ્થરની નીચે ગુફામાં ઉતરતા જ શિવલિંગનાં દર્શન થાય છે. તો રાજ મહેલ, મહાકાલી મંદિર, રૂઠી રાણીનું માળિયું, નવ ગજાપીર, પાંચ મુખી હનુમાનજી મંદિર સહીત અનેક પ્રાચીન મંદિરો અહી આવેલા છે.
૪) રાવ રણમલની “રણમલ ચોકી”
(Ranmal choki, Idar)
ગ્રીસ શૈલીમાં નિર્માણ પામેલું ઘુમ્મટ વિનાનું અને અધૂરું બનેલું શિવાલય એટલે આજનું રણમલ મંદિર. જે લોકમુખે રણમલની ચોકી તરીકે જાણીતું થયું છે.
રાવ રણમલ સોલંકીકાળ નો સમકાલીન હતો. ઈડરના રાજનો પ્રબળ સેનાપતિ હતો. જેનો ડર દૂરદૂર સુધી રહેતો. તેની ઈડરગઢ પરથી હુમલો કરવાની તેમજ હુમલોનો સામનો કરવાની યુદ્ધશૈલી સામાન્ય સેનાનાં ગળે ઉતરે એવી નહોતી. રાવ રણમલ દુશ્મનોથી બચવા માટે દરેક સૈનિકને પોતાનાં જેવો જ વેશ ધારણ કરાવીને રાખતો.
રાવ રણમલનો ઉલ્લેખ કવિ શ્રીધરે “રણમલ છંદ”માં કર્યો છે.
૫) લખુમાં તળાવ
ઈડરીયા ગઢ ઉપર લખુમાં તળાવ કિનારે વજેશ્વરી માતાજી મંદિર આવેલું છે.
ઉપરોક્ત તસ્વીરમાં દ્શ્યમાન લખુમાં તળાવ અને જૈન દેરાસરની પાછળનો ડુંગર આવનારા દિવસોમાં કદાચ જોવા નહી મળે..😢
રાજકીય માથાઓ દોસનો ટોપલો એક બીજા ઉપર ઢોળી પ્રજાને ગેરમાર્ગે દોર્યા વગર આ ડુંગરો ઉપર થઈ રહેલા ખનન બંધ કરાવે તેવી પ્રજાની માંગણી છે.આ વર્ષે ઈડરીયા ગઢ ઉપર પ્રવાસે આવેલા અનેકો લોકોએ આ શહેરની નોંધ લીધી છે.
ઇડરનું કાવ્ય
લોકો પૂછે મને ગમતું શહેર મે કહ્યું એ છે ઈડર અમારું,
ડુંગરોની તળેટીમાં મોજથી મલકાતું એ છે ઈડર અમારું ...
મસ્તકે બિરાજે ઉન્નત ઈડરિયો ગઢ એ છે ઈડર અમારું ,
રાણી તળાવની વચ્ચે શોભે જલમંદિર મજાનું એ છે ઈડર અમારું ....
ટાવરના ચોકમાં જૂનું બજાર જાણીતું એ છે ઈડર અમારું ,
ભણવા માટે સરપ્રતાપનું નામ પુરાણુ એ છે ઈડર અમારું ....
અપોલો પર બાબાસાહેબનું સ્ટેટ્યૂ ન્યારું એ છે ઈડર અમારું ,
શિલાઉદ્યાન ખાતે કરેલ રંગરોગાન રૂપાળું એ છે ઈડર અમારું...
રાજચંદ્રવિહાર બન્યો જીવદયા માટે સલામત ઠેકાણું એ છે ઈડર અમારું ,
દોલતમહેલ ના પગથિયાં ચઢતા શેર લોહી વધે અમારું એ છે ઈડર અમારું ...
રણમલ ચોકી સાથે શોભે રૂઠી રાણી નું માળિયું એ છે ઈડર અમારું,
જૈન મંદિરો જોડે લખુમાં તળાવ રળિયામણું એ છે ઈડર અમારું...
પ્રકૃતિના ખોળે કુદરતે ચમકાવ્યું એ છે ઈડર અમારું,
અજેય હંમેશા ને નીડરતા માટે ઉદાહરણ અપાતું એ છે ઈડર અમારું....
રતીભાર રૂપિયા માટે લોકો કરે ખનન ગઢનું એ છે ઈડર અમારું,
"ચેતન" બની ધરોહર બચાવું , કારણ પ્રાણથી પ્યારું એ છે ઈડર અમારું...
------- ચેતન કાપડિયા, ઈડર
ગુજરાતના પ્રવાસન સ્થળો સુરત
૧) સુરતનું સૌથી ઐતિહાસિક એક માત્ર તળાવ એટલે ગોપી તળાવ
તાપી ના કિનારે વસેલું સુરત શહેર જે એક એતિહાસિક શહેર છે. જેમાં ઘણી હેરિટેજ જગ્યાઓ છે. જે આજે પણ હયાત છે. લોકો તેના પરથી સુરત નો ઇતિહાસ અને સુરતના મહત્વ જાણી શકે છે. સુરતની ખૂબસૂરતીમાં વધારો કરતું કિલ્લા બાદ મહત્વનું સ્થળ ગોપી તળાવ છે. સુરતના સૌથી ઐતિહાસિક એક માત્ર તળાવ તરીકે ગોપીતળાવને સ્થાન મળ્યું છે. આજે આ તળાવ ને નવેસરથી બાંધી ને લોકો માટે એક ફરવાના સ્થાન તરીકે ડેવલોપ કરવામાં આવ્યું છે.
ગોપીતળાવ ઈ. સ. 1510ની આસપાસ સુરતના ગવર્નર મલેક ગોપીએ બંધાવ્યું હતું. તળાવનો વિસ્તાર અઠ્ઠાવન એકર જેટલો હતો. તળાવને સોળ બાજુઓ અને સોળ ખૂણાઓ હતા, જેમાંથી તેર બાજુએ તળિયા સુધી પહોંચી શકે તેવાં પગથિયાં વગરનો ઢાળ હતો.
તળાવમા શિવમંદિર બાંધવામાં આવ્યું હતું, આ મંદિર સુધી પહોંચવા માટે ખાસ હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. છેલ્લા ઘણા સમયથી સુરત મહાનગરપાલિકાએ ગોપીતળાવને ફરી એક વાર ઐતિહાસિક રૂપ આપવા કમર કસી હતી. આખરે આ તળાવ તૈયાર થઇ ગયું અને સુરતને નવું નજરાણું મળ્યું છે.
સમગ્ર સુરતને એક સમયે જે તળાવમાંથી પાણી પુરૂ પાડવામાં આવતુ હતું. તે તળાવ મૃતપ્રાય અવસ્થામાં પહોચી ગયું હતું. પરંતુ તેના સુંદર રીનોવેશને તેના ઐતિહાસિક મુલ્યોમાં વધારો કર્યો હતો. અને તેમાં પણ કલા ઉત્સવના સંગીતમય કાર્યક્રમો અને રંગબેરંગી રોશનીએ ગોપી તળાવની સુંદરતામાં ચાર ચાંદ ઉમેર્યા હતા.
ગોપીકલા ઉત્સવ સમયે ગોપીતળાવમાં પ્રવેશ માટે ટિકિટ લેવી પડે છે. જેથી લોકો આ ઉત્સવનો આનંદ માણી શકે. કલા ઉત્સવ દરમિયાન સાંજના સમયે ખાસ સ્ટેજ શોનું આયોજન કરવામા આવે છે. જેમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પોતાના ક્રૃતિઓ રજુ કરવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી ગોપીતળાવમાં દર ડિસેમ્બરમાં ગોપી કલા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
ગુજરાતના પ્રવાસન સ્થળો રાજકોટ
૧) રોજડી
૪૫૦૦ વર્ષ પહેલાં અહીં માનવ વસવાટ હતો...મકાન હતાં,વાસણો, અલંકારો, રમકડાં, ઓજારો નો ઉપયોગ કરતાં હતાં. સિંધુ ખીણની હડપ્પન સંસ્કૃતિ નું કિલ્લેબંધ નગર સાડા છ દાયકા પહેલાં પુરાતત્વ મહારત્ન, પુરાતત્વવિદ શ્રી પી.પી.પંડ્યાએ ઉત્ખનન ( ખોદકામ) કરીને શોધ્યું.
દેશ વિદેશમાં નોંધપાત્ર સ્થળ છે.પાઠય પુસ્તકમાં નોંધ છે.
આજ સુધી રક્ષિત સ્મારક જાહેર કરી શક્યાં નથી.બાવળના જંગલમાં ફેરવાઈ ગયું છે, રસ્તો નથી, બોર્ડ નથી.
સૌરાષ્ટ્રમાં આવેલા પ્રાચીન સંસ્કૃતિના સ્થળ રોજડી ( શ્રીનાથગઢ,જી.રાજકોટ) ની ઘોર અવગણના કેમ ❓
મિડિયા, જાહેર જીવનનાં અગ્રણીઓ, યુનિવર્સિટી, શિક્ષણવિદો ને જાહેર અપીલ ,પુરાતત્વ વિભાગ અને રાજ્ય સરકાર ને આ અંગે જાગૃત કરી આપણી પ્રાચીન સંસ્કૃતિ બચાવવા પ્રયત્ન કરે.
અનેક રજુઆતો કરવામાં આવી છે.
-શ્રી જયાબહેન ફાઉન્ડેશન,રાજકોટ ૯૮ ૨૫૨ ૧૮૯૦૩.
૪૫૦૦ વર્ષ પ્રાચીન હડપ્પન સંસ્કૃતિનું કિલ્લેબંધ નગર અહીં શોધવામાં આવેલું છે.
૪૫૦૦ વર્ષ પહેલાંનાં માનવી ઉપયોગ કરતાં તે જુદાં જુદાં પ્રકારનાં વાસણો, અલંકારો, ઓજારો પણ ઉત્ખનન દરમિયાન મળી આવ્યાં છે.
અહીં સાઇટ મ્યુઝિયમ બનાવી તે પ્રદર્શિત કરવું જોઈએ.
આ શોધને વિશ્વભરમાંથી આવકાર મળ્યો હતો.
દેશ વિદેશનાં પુરાતત્વવિદો આ સ્થળની મુલાકાતે આવેલા.
પુરાતત્વ મહારત્ન, પુરાતત્વવિદ શ્રી પી.પી.પંડ્યાની શોધ.
આ સ્થળને રક્ષિત જાહેર કરાશે? તે સ્થળની જાળવણી થશે❓❓
આજે ત્યાં બાવળનાં જંગલ છે.....રસ્તો નથી.. બોર્ડ નથી.
સૌરાષ્ટ્ર નું ગૌરવવંતુ સ્થળ,રોજડી (શ્રીનાથગઢ, જિલ્લો રાજકોટ.)
- શ્રી જયાબહેન ફાઉન્ડેશન, રાજકોટ.
૨) ખંભાલીડા ગુફાઓ
રાજકોટ જીલ્લા ના ગોંડલ તાલુકા થી 20 કી. મી. દૂર આવેલી ખંભાલીડા ગુફાઓ બૌદ્ધ ગુફાઓ છે.
જાણીતા પુરાતત્વશાસ્ત્રી શ્રી પી. પી. પંડ્યા એ ઈ.સ. 1958 માં આ ગુફાઓ ની શોધ કરી હતી.
આ ત્રણ ગુફાઓ ચુના ના ખડકો કોતરીને બનાવવામાં આવેલ છે. હાલમાં આ ગુફાઓ ની દેખરેખ ગુજરાત સરકારનું પુરાતત્વ ખાતું કરે છે.
ગોંડલ-જેતપુર પાસે આવેલુ ખંભાલીડા ગુજરાતનું મોહેંજો દરો ગણી શકાય એવુ સ્થળ છે. અહીં 1800 વર્ષ જૂની બોદ્ધ ગુફાઓ આવેલી છે. પશ્ચિમ ભારતમાં આ ગુફાઓ સૌથી જૂની છે.
સરકારે આ સ્થળને પ્રવાસનના નકશામાં શામેલ તો કર્યું છે, પણ ખાસ સુવિધાઓ વિકસી નથી. ગુજરાતના ઈન્ડિયાના જોન્સ કહી શકાય એવા આર્કિયોલોજિસ્ટ પી.પી.પંડ્યાએ આ સ્થળ શોધી કાઢ્યુ હતું. રાજ્ય સરકારે રક્ષીત જાહેર કરેલા સ્મારકની જાળવણીનું કામ અત્યારે તો જયાબહેન ફાઉન્ડેશન દ્વારા કરાય છે. ગોંડલ-જેતપુર રોડ પરથી નીકળતી વખતે ઈતિહાસ પ્રેમીઓએ એ તરફ વળવા જેવુ છે.
ગુજરાતના ગીરનાર પર્વતની ચારે દિશામાં એક સમયે બૌદ્ધ સ્તૂપો આવેલા હતા.
એમાંનો એક બોરીયા સ્તૂપ હયાત છે. ભવનાથ, જીણાબાવાની મઢી, માળવેલા અને બોરીયા સ્તૂપ ની ફરતે કરવામાં આવતી પ્રદક્ષિણા બોદ્ધ ધર્મના પતન પછી પરિક્રમા નામે થવા લાગી છે.
બોરીયા સ્તૂપના ઉત્ખનન દરમ્યાન મળેલા દાબડામાંથી સોનાની ડબી મળી હતી. ડબીમાંથી સાત રત્નો, ભસ્મ અને બોદ્ધિ વૃક્ષની ડાળીનો કટકો મળ્યો હતો,
જે ભગવાન બુદ્ધના છે.
ખંભાલીડા અને ઢાંકની બોદ્ધ ગુફાઓ મહાયન પંથની છે.
ખંભાલીડામાં ગુફાના પ્રવેશદ્વાર ઉપર માનવ કદની અવલોકિતેશ્વર પદ્મપાણી અને અવલોકિતેશ્વર વજ્રપાણીની મૂર્તિઓ કંડારવામાં આવી છે. અલભ્ય કોતરકામ છે.
ઢાંકમાં છીંછરા વોંકળાના કાંઠે જુના પથ્થરની ઊંચી ભેખડમાં બુદ્ધના 10 ચિત્રો કંડારવામાં આવ્યા છે, જે આજે પણ દ્રષ્ટિમાન છે.
ગુજરાતના પ્રવાસન સ્થળો પોરબંદર
· ૧) જાંબુવનની ગુફા
ll સૌરાષ્ટ્રના વિખ્યાતબરડા ડુંગરની તળેટીમાં આવેલી જાંબુવનનીઓછા લોકોએ જોઇ હશે. જમીન પરઅવેડા જેવી કુંડી જેવડી જગ્યા નીચેવ્યવસ્થિત પથ્થરની સીડી અને અંદર ઉતરતાં એક પછી એક વિશાળ રૂમ જોવા મળેછે. ભૂગર્ભમાં આવેલી જાંબુવનની ગુફા પોરબંદરજિલ્લાના રાણાવાવ થી પાંચ કિલોમીટરના અંતરેબરડા ડુંગરની ગોદમાં પુરાતત્વના અભ્યાસુ અને પુરાતત્વવિદો માટે રસપ્રદ સ્થળ છે. જાંબુવન નામના રીંછ પરથી આ ગુફાનું નામ પડયું છે.
ક્રૃષ્ણ અવતારમાં જાંબુવન નામનો રીંછ ભગવાન શિવનો અનન્ય ઉપાસક હતો. આ ગુફામાં જાંબુવને અનેક શિવલીંગની સ્થાપના કરી હતી તેમાં પાત મહાદેવનું શિવલીંગ મુખ્ય છે તેના પર કુદરતી રીતે જલાભિષેક થાય છે. પાણીના ટીપાં ટપકવાથી આપોઆપ શિવલીંગ બંધાય છે.
દંતકથા એવી છે કે જાંબુવનનને ૧૦૮ શિવલીંગની પૂજા કરવી હતી એક રાતમાં આટલી સંખ્યામાં શિવલીંગ ન થતાં જાંબુવન એક ધ્યાને બેઠા. ભગવાન શિવજી પ્રસન્ન થયા અને વચન આપ્યું કે ઉપરથી ગુફા અંદર ટપકતાં પાણીના ટીપાંથી શિવલીંગ બની જશે. આજે પણ જાંબુવન ગુફામાં અંદર ઉતરીને જોઇએ તો આ કુદરતી દ્રશ્ય જોવા મળે છે. ઉપરથી પાણીના ટપકાં ગુફાની માટીમાં પર ટપકે છે. કુદરતી રીતે બનતાં આ શિવલીંગો અદ્રશ્ય પણ થઇ જાય છે. અમરનાથમાં જેમ કુદરતી રીતે બરફનું શિવલીંગ બને છે એમ જાંબુવન ગુફામાં પાણીના ટપકાંથી માટીના બને છે. ભાવિકોમાં તે ભારે શ્રધ્ધાનું સ્થળ છે. તે ઉપરાંત ગુફામાં સોના જેવી ચળકતી માટી પણ જોવા માટેનુ કેન્દ્ર છે. રામાયણ યુગ જે મર્યાદાપુરૂષોતમનો તેત્રાયુગ ગણાય છે. ત્યારે જાંબુવન નામના શકિતશાળી રીંછની મદદ મળેલ માતાના સીતાનું અપહરણ કરી ગયેલ તે વિષે માહિતી આપેલ તેમ જ લંકાધીપતી રાવણ સાથે મર્યાદાપુરૂષોતમરામે યુદ્ધ કરી વિજય પ્રાપ્ત કરેલ. રામસેનાનામાં જાંબુવનની ભૂમિકા મહત્વની હતી.
તે સમયે વિજય પ્રાપ્તના આનંદ સમયે જાંબુવનને મલ્લયોદ્ધા તરીકે શ્રેષ્ઠતા દર્શાવી. ત્યારે વરાદન આપેલ શ્રી પુર્ણપુરૂષોત્તમ વિષ્ણુ અવતાર વ્હાપરયુગમાં થશે જે શ્રીકૃષ્ણ અવતાર તરીકે પ્રસિદ્ધ થશે. આ સમય મહાભારતના યુદ્નો હશે તે યુદ્ધ સમયમાં શ્રી વિષ્ણુ-રામ-અવનાર શ્રીકૃષ્ણ સેનાની સાથે મલ્લયુદ્ધ કરી હરાવશે. ત્યાં સુધી તેમણે જાંબુવનને બરડા વિસ્તારમાં નિવાસ કરવો આજ તેની સાક્ષીરૂપે જાંબુવન ભોયરૂ હૈયાત છે. સ્વયંભૂ શિવલીંગ પર કુદરતી જલાધારી વરસે છે. ગુફામાં ૧૦૮ એકસો આઠ શિવલીંગ પર જલાભિષેક થાય છે. શ્રીકૃષ્ણ અવનારમાં શ્રીકૃષ્ણ પર સંયમ મસ્તક મણિ ચોરાયાનું આડ આવલ જે મણી જાંબુવન લઇ ગયેલ તે આડ ઉતારવા શ્રીકૃષ્ણ દ્વારકાથી ભોંયરા રસ્તે આદિત્યાણા જાંબવન ભોંયરામાં પહોંચેલ ત્યાં સંયમ મસ્તક મણિ બાકળના ધોડીયા પર લટકાડેલી જે લેવા માટે જાંબવન સાથે મલ્લયુદ્ધ કરી રામાયણ અવતારમાં આપેલી વચન સિદ્ધ કરેલ મુકિત આપેલ. મલ્લયુદ્ધમાં જીતેલ શ્રીકૃષ્ણ સાથે જાંબવનની પુત્રી જાંબવંતીને શ્રીકૃષ્ણ સાથે પરણાવી આપેલ જે શ્રીકૃષ્ણની સાત પટ્ટરાણીમાંની એક ગણાય છે. જેથી પોરબંદરનું અસ્તીત્વ અસ્મીત નગર તરીકે હોવું જોઇએ તેમ માની શકાય. ll
૨) ખીમેશ્વર મહાદેવ મંદિર
કુછડી
પોરબંદર જિલ્લા
ગુજરાત
*****************
આ સંકુલમાં પુરાતત્વ ની દૃષ્ટિએ અગત્યના એવા કુલ સાત મન્દિરો આવેલા છે
ખીમેશ્વર મહાદેવ મંદિર, ભારત દેશના પશ્ચિમી રાજ્ય ગુજરાતના પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના કુછડી ગામ પાસે આવેલું છે. પોરબંદરથી ૧૦ કિ.મી. દૂર, અરબી સમુદ્રના કિનારે આવેલું આ મંદિરોનું સંકુલ ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક (S-GJ-145) જાહેર કરાયેલું છે.
આ સંકુલમાં પુરાતત્વની દૃષ્ટિએ અગત્યનાં એવાં કુલ સાત મંદિરો આવેલાં છે:
જેમાં પ્રવેશદ્વાર પાસે જ પ્રથમ ધીંગેશ્વર મહાદેવનું મંદિર જે ચૈતન્ય બારીના શિલ્પો ધરાવે છે.
પછી મુખ્ય ખીમેશ્વર મંદિર જે ચૈતન્ય બારીવાળું સાતમી સદીમાં નિર્માણ પામેલું છે.
બાજુમાં વલભી શીખર ધરાવતું નવદુર્ગા મંદિર છે જે પુરાતત્વ વિભાગ અનુસાર સમગ્ર ગુજરાતમાં અદ્વિતિય છે.
સામે પાર્વતીનું મંદિર છે જે ચૈતન્ય બારીવાળા બે ગવાક્ષો ધરાવતું સાતમી સદીમાં નિર્માણ પામેલું મંદિર છે.
તેની બાજુમાં દ્રવિડશૈલીનું શિખર ધરાવતું સુર્ય રાંદલ મંદિર છે જે પણ સાતમી સદીમાં નિર્માણ પામેલું છે.
તેની સામે ચાડેશ્વર મહાદેવનું મંદિર છે જેના શિખરમાં ભુમીકા શિલ્પ છે. આ મંદિરનું નિર્માણ દસમી સદીમાં થયેલું છે.
બાજુમાં દુધેશ્વર મહાદેવનું પૂર્વાભિમુખ મંદિર છે. જે પણ ભુમીકા શિલ્પવાળું દસમી સદીમાં નિર્માણ પામેલું મંદિર છે.
આ ઉપરાંત ખીમેશ્વર મહાદેવ મંદિરના ચોકમાં ગણપતિની નાની દેરી છે જેનું શિખર પર હાથીના મસ્તક આકારનું શિલ્પ છે. સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની આ એકમાત્ર મહાદેરી છે. આ ઉપરાંત મંદિર સંકુલમાં કાલ ભૈરવની નાની દેરી, મહાકાળીનું મંદિર, પટાંગણમાં મૈત્રીક ખાંડણીયો, માતૃકા મુર્તિઓ, દુધેશ્વરનું શિવલીંગ તથા પગથીયાવાળી કોતરેલી જુની વાવ અને અન્ય અનેક શિલ્પો પડેલાં છે.
ઈ.સ.૪૬૮થી ઈ.સ.૭૮૮માં નિર્માણ થયેલું આ મૈત્રકકાળનું મંદિર પશ્ચિમ ભારતમાં અદ્વિતિય છે. આ એકમાત્ર એવું મંદિર છે જે કરિયામાં ગવાક્ષ સાથેની વલભી છત ધરાવે છે, જેને વક્રીય સ્કંધ આકારની રચના ટેકો પૂરો પાડે છે. એની અન્ય નોંધપાત્ર લાક્ષણિકતામાં છત નીચેની કાંગરી અને દંતાવલિ ઉપરાંત ગર્ભગૃહના દ્વારે સંલગ્ન દીવાલમાં ચૈત્ય પ્રકારની ભાત ગણાવી શકાય.
પૌરાણિક ઈતિહાસ-વાયકા:-વાયકા પ્રમાણે આ મંદિરનું મૂળ નામ ભીમેશ્વર મહાદેવ હતું. કુંતી તથા પાંચ પાંડવો યાત્રાએ નિકળ્યા અને ગુજરાતના આ પશ્ચિમ કિનારે પહોંચ્યા. અર્જુનને એવું વ્રત હતું કે શિવપુજન કર્યા વગર અન્નપ્રાશન કરવું નહીં. એથી અર્જુન અને ભીમ શિવમંદિરની શોધમાં નીકળ્યા. બહુ રખડપટ્ટીના અંતે ભીમની ધીરજ ખુટી એથી એણે એક યુક્તિ રચી અને અર્જુનથી છાનું રાખી સમુદ્રકિનારે રેતીનો મોટો ઢગલો રચ્યો અને અર્જુનને બોલાવી શિવલિંગ મળ્યાની જાણ કરી. અર્જુને શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્ચન કર્યું અને પોતાનું વ્રત સાચવ્યું. પણ ભીમને તો ખરી વાતની જાણ હતી જ, આથી તેને હસવું આવ્યું. ભીમને હસતો જોઈ અર્જુને કારણ પૂછ્યું ત્યારે ભીમે સાચી વાત જણાવી અને અર્જુનની હાંસી કરી. પણ અર્જુને કહ્યું કે મેં પૂજન કર્યું તે તો શિવલિંગ સમજીને જ કર્યું અને હવે આ રેતીનો ઢગલો નથી પણ ખરે જ શિવલિંગ છે. ભીમે તેને ખોટો ઠેરવવા પોતે બનાવેલા રેતીના ઢગને બે હાથો વડે છીન્નભિન્ન કરવા પ્રયાસ કર્યો પણ શિવલિંગ વિખાયું નહિ. પ્રયાસ દરમીયાન ભીમની આંગળીઓની છાપ તેમાં ઊંડે સુધી બેસી ગઈ જે આજે પણ શિવલિંગ પર જોવા મળે છે.
ત્યાર પછી ભીમે પણ અર્જુનની ભક્તિનો સ્વીકાર કર્યો અને અહીં સ્થપાયેલાં શિવલિંગ પર એક મંદિર બાંધવાનું નક્કી કર્યું. નાના ભાઈ નકુળની મદદથી અહીં મંદિરનું નિર્માણ થયું જે ભીમેશ્વર મહાદેવ તરીકે ઓળખાયાનું પૌરાણિક કથાઓ અને વાયકાઓમાં કહેવાય છે.....
🙏હર હર મહાદેવ 🙏
ગુજરાતના પ્રવાસન સ્થળો પાટણ
પાટણ -અણહિલપુર પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી.પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી આ નગરનું નામ અણહિલપુર રાખવામાં આવ્યું હતું. પાટણ ગુજરાતના ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
--સોલંકીયુગની વીરતા વૈભવ અને વિદ્યાનું પ્રતીક એટલે પાટણ,
--700 વર્ષ સુધી પશ્ચિમ ભારતની રાજધાની તરીકેનું સ્થાન જાળવી રાખનાર શહેર એટલે પાટણ.
--પાટણ એટલે આઠમી સદીનું ચૌલુક્ય વંશના ચાવડા, વાઘેલા અને પછી સોલંકી રાજાઓ દ્વારા સ્થપાયેલું. રાણી મીનળદેવી અને મંત્રી મુંજાલ મહેતા ના કુશળ વહીવટ વાળું ગુજરાતનું પાવર સેન્ટર.
--પાટણ એટલે જેણે સોમનાથને ધ્વંશ કરવા આવતા ગઝનીને પ્રથમ પ્રતિકાર આપ્યો..!
--પાટણ એટલે ઐતિહાસિક રાણકી વાવ,
--પાટણ એટલે સહસ્ત્રલિંગ તળાવ,
--પાટણ એટલે ઘીમાં બનેલા ગળ્યા ગળ્યા દાબડા (મીઠાઈ)
પણ....
પાટણ અધુરું છે એક ઉલ્લેખ વિના. પાટણ ત્યારે જ પુરુ થાય જ્યારે તેની ઓળખ સાથે જોડાય પટોળા.
જી હાં, પાટણના પટોળા વિશે ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. લાખોની કિંમતના પટોળા આજે તો દેશ વિદેશમાં ખ્યાતિ મેળવી ચૂક્યા છે. પણ, ખૂબ ઓછા લોકો જાણે છે કે પટોળા એ પાટણના નથી. પાટણના પટોળા નો ઈતિહાસ રસપ્રદ છે. પટોળાની પરંપરા આશરે 800થી 900 વર્ષ જૂની છે.
ગુજરાતે દત્તક લીધેલી છે આ કળા !
પટોળાના ખૂબ જ જાણીતા કલાકાર વિજયભાઈ સાલ્વીનું કહેવું છે કે પટોળા મૂળ દક્ષિણ ભારતમાંથી પાટણ આવ્યા છે. જૈન રાજા કુમારપાળને પૂજા કરવા માટે રોજ રેશમી કપડાની જરૂર પડતી. પરંતુ કુમારપાળ જે કપડું વાપરતા તે પવિત્ર ન હતું. સમયાંતરે કુમારપાળના કાને મહારાષ્ટ્રમાં બનતા પટોળાના વખાણ પહોંચ્યા. કુમારપાળે ત્યાંથી પટોળા મંગાવવા તજવીજ કરી પરંતુ જાલનાના રાજા પટોળાનો એકવાર ઉપયોગ કર્યા પછી જ બહાર મોકલતા. એક વખત વપરાયેલું પટોળું પવિત્ર ન ગણાય એટલે તેને પૂજામાં વાપરી ન શકાય. એટલે કુમારપાળે મુંગી પટ્ટમ ગામના 700 જેટલા સાલ્વી કુટુંબોને જ પાટણમાં વસાવી દીધા. બસ ત્યારથી પટોળા ગુજરાતની ઓળખ બની ગયા.
પટોળા વિશેની આ કહેવત પણ તમે સાંભળી જ હશે.
પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં
આ કહેવત પ્રમાણે પટોળા પર બનેલી ડિઝાઈન વર્ષો સુધી ટકી શકે છે. કહેવાય છે કે પટોળા સાડી એ 70-80 વર્ષ સુધી ફાટતી નથી. અને જો પટોળું ફાટી પણ જાય તો તેની ડિઝાઈન તો ભૂંસાતી જ નથી. એટલે જ કહેવતમાં કહેવાયું છે ફાટે પણ ફીટે નહીં.
છેલાજી રે
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે
રંગ રતુંબલ કોર કસુંબલ
પાલવ પ્રાણ બિછાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
૧) સહસ્ત્રલિંગ તળાવ
ઈ. સ. ૧૦૮૪માં રાજા સિદ્ધરાજ જયસિંહે આ તળાવ બનાવ્યું હતું. સહસ્ત્રલિંગ તળાવ એટલે સો શિવલિંગનું તળાવ. આ તળાવ દુર્લભ સરોવર તરીકે જાણીતું હતું. આ તળાવ ટેકનોલોજી, સૌંદર્ય અને આધ્યાત્મિકતાના સંદર્ભમાં તમામથી ચડિયાતું છે.
સહસ્ત્રલિંગ તળાવ પાટણ, ગુજરાતમાં આવેલું એક મધ્યયુગીન કૃત્રિમ તળાવ છે.
તેનું બાંધકામ સોલંકી વંશના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં તે ખાલી અને ખંડિત અવસ્થામાં છે.
સિદ્ધરાજ જયસિંહ (ઇ.સ. ૧૦૯૨-૧૧૪૨)ના શાસન દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં બાંધકામ કરેલા કૃત્રિમ તળાવોમાંનું સહસ્ત્રલિંગ તળાવ એક છે.
૧૫૬૧માં અકબરનો શિક્ષક બહેરામ ખાન મક્કા જતી વખતે પાટણ થઇને ગયો હતો અને તે વખતે સહસ્ત્રલિંગ તળાવના કાંઠે હોડીમાંથી ઉતરતી વખતે તેની હત્યા થઇ હતી.
સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહ તળાવ ખોદનારા ઓડ જ્ઞાતિના રૂડાની પત્નિ જસ્મા ઓડણની સુંદરતા પર મોહી ગયો અને તેની સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે જસ્માએ તેને શ્રાપ આપ્યો હતો.
આ શ્રાપને કારણે તળાવ ખાલી હતું અને શ્રાપ દૂર કરવા માટે માનવ બલિની જરૂર હતી. ત્યારે નીચી ગણાતી જ્ઞાતિના માયો (વિર મેઘમાયા) એ પોતાનું બલિદાન આપ્યું અને તળાવમાં પાણી ભરાયું.
૨) વાધેલ ગામ
વાઘેલ ગામ
તા :- હારીજ
જી:- પાટણ
વૈરાયનાથ દાદા ગુરુ દ્રાર આશ્રમ:-
--------------------------------------------
પાટણની નજીક આવેલા વઢિયારનો આ પ્રદેશ પાટણપતિ મુળરાજે પોતાના ભત્રીજા વ્યાધ્રદેવને જાગીરમાં મળતા આ પ્રદેશ વ્યાધ્રપલ્લી તરીકે ઓળખાયો જે અતિયારે વાઘેલ ગામે પ્રસિદ્ધ છે.
વાઘેલા વંશના સંત વૈરીનાથ દાદા નો આશ્રમ પ્રાચીન વાઘેલ ગામમા આવેલો છે. આશ્રમ ની અંદર સુંદર શિવાલય આવેલુ છે. આશ્રમ ની અંદર અખાડા ના મહંત રહેછે. ખુબ જુની જાણીતી જગ્યા છે.
વઢિયાર મહાન સંત વૈરાયનાથ દાદા :-
--------------------------------------------------
વાઘેલ ગામ મા વૈરાયનાથ દાદા મહાન સંત હતા . લોક વાયકા મુજબ વઢિયાર ના પ્રદેશ ના જંગલો મા વરસો વર્ષ તપ કરેલુ હતુ. તેઓ અંતર્યામી ત્રિકાળજ્ઞાની હતા. કહેવાય છે કે તળાવ ની પેલી પાર આવેલા મંદિર મા બીરાજમાન વાઘેશ્વરી (સિદ્ધેશ્વરી ) માતાજી ના દર્શન કરવા જતાં . તે સમયે તળાવ માં રહેલુ પાણી તેમને રસ્તો આપી દેતુ હતુ. હાલ વાઘેલ ગામ ની સીમ માં તેમને લીધેલી સમાધી મોજુદ છે. સમાધી પર મંદિર અને તેમની મૂર્તિ સ્થાપિત કરેલી છે.
ભુતાવણ તળાવ 💧:-
____________________
૫૦૦ એકરમાં પથરાયેલુ ભુતાવળ તળાવ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. આ તળાવ ૧૧૦૦ વરસ જુનુ છે. પાટણના મહારાજધિરાજ સિદ્ધરાજ જયસિંહ ના સમયમાં આ તળાવ બાબરા ભુતે સુવ્યવસ્થિત બનાવયુ હતુ. આ તળાવમા પાણીનો સંગ્રહ અને રિચાર્જ થાય તેવી તેની રચના છે . કુલ ૬ પગથીયા ૭ મો ઓવારો હતો આમ ૭ પડાવ અને ૪૯ પગથીયા હતા. તળાવની ગોળ બાંધણી હતી . પાણીનુ ગારળ થાય તેના માટે ત્રણ મોટી ગારળી ઓ બનાવેલી છે. તે ઉપરાતં તળાવ ની ફરતે ૧૦૧ શિવ મંદિરો પણ હતા તેમા સોલંકી કાલીન સુદર કોતરણી જોવા મળે છે. તળાવ ની મધ્યમાં એક ટેકરી છે તેની અંદર ભોયરુ હોવાની લોક વાયકા તે સમયે બનાવામા આવેલા ભોયરાના માર્ગે છેક પાટણ જવાતુ હતુ.
લુણસળ તળાવ :- 💧
_____________________
ભુતાવળ તળાવ ની પાસે લાવણ્ય તળાવ( લુણસળ તળાવ) જે ધોળકાના અને ભીમપલ્લીના મહામંડલેશ્વર (રાળક) લવણપ્રસાદજી વાઘેલા દ્રારા બંધાવેલુ હતુ. કહેવાય છે કે ધોળકાની જવાબદારી પોતાના વિરપુત્ર વિરધવળને સોપી તેવો વાઘેલ ગામને પણ પોતાનુ બીજુ આવાસ બનાવયુ હતુ. લવણપ્રસાદજી ગુજરાતના ધણા લેખોમાં “વ્યાધ્રપલ્લીય” તરીખે ઉલ્લેખ જોવા મળેછે. બંને તળાવની વચ્ચે આવેલી ગરળી માંથી લુણસળ તળાવનુ પાણી ગળાયને ભુતાવળ તળાવમાં જતુ હતુ. બારેમાસ પાણીથી છલો છલ બનેં તળાવ રહેતા.
આ બંને તળાવોની રચના અદભુત છે. સચોટ રચના , ઇજનેરી કૌશલ્યની , તળાવની ચારેબાજુ આવેલા ભગ્ન અવસ્થામાં પડેલા સુંદર કલાત્મક કોતરણી વાળા પથ્થરો જે સોલંકી અને વાઘેલા સુવર્ણ યુગ ની યાદ અપાવે છે.
Subscribe to:
Posts (Atom)
-
૧) કબીરવડ તે ભરુચ થી લગભગ ૧૨ કિલોમીટર દૂર આવેલું એક ઐતિહાસિક સ્થળ છે. નર્મદા નદીની વચ્ચે આવેલા બેટ પર આવેલું એક ધાર્મિક સ્થળ છ...
-
૧) સુરતનું સૌથી ઐતિહાસિક એક માત્ર તળાવ એટલે ગોપી તળાવ તાપી ના કિનારે વસેલું સુરત શહેર જે એક એતિહાસિક શહેર છે. જેમાં ઘણી હેરિટેજ ...
-
૧) ઝરિયા મહાદેવ. 🌹સુરેન્દ્રનગર જિલ્લાનો ચોટીલા તાલુકો પાંચાળ પ્રદેશ તરીકે જાણીતો છે અને લોકવાયકા મુજબ દ્રૌપદીનો સ્વયંવર આ પંચાળ ભૂમિમાં થય...