Friday, January 17, 2025

ગુજરાતના પ્રવાસન સ્થળો સુરેન્દ્રનગર

૧) ઝરિયા મહાદેવ. 

🌹સુરેન્દ્રનગર જિલ્લાનો ચોટીલા તાલુકો પાંચાળ પ્રદેશ તરીકે જાણીતો છે અને લોકવાયકા મુજબ દ્રૌપદીનો સ્વયંવર આ પંચાળ ભૂમિમાં થયો હતો. ચોટીલા પંથકમાં અનેક પ્રાચીન મંદિરો, તળાવો, શિવાલયો અને ગુફાઓ આવેલાં છે. દરેક ધાર્મિક અને પૌરાણિક સ્થાન પાછળ એક અનોખો ઇતિહાસ છે. આવું જ એક પ્રાચીન શિવાલય એટલે ઝરીયા મહાદેવ. 

 🌹પાંચાળ પંથકમાં માંડવ જંગલમાં આવેલું પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા પાંચાળની આ ભૂમિના માંડવ જંગલ વિસ્તારમાં, ચોટીલાથી આશરે 14 કિલોમીટરના અંતરે થાનગઢ રોડ પર ઝરિયા મહાદેવ આવેલું છે. પ્રભુ અને પ્રકૃતિનું રમણીય સંગમ એટલે ઝરિયા મહાદેવ

🌹ચોટીલા તાલુકાના માંડવ વનમાં આવેલા અને કુદરત રચિત બનેલી ગુફાઓમાં ઝરીયા મહાદેવ મંદિરના શિવલિંગની વર્ષો પહેલાં સ્થાપના થઈ છે અને આ ગુફાઓની ચારેય બાજુ દિવાલોમાંથી બારે મહિના અને ચોવીસ કલાક સતત ટોપરાના મીઠા પાણી જેવા જળનો કુદરતી અભિષેક આપોઆપ આ શિવલિંગ પર થતો રહે છે. 
🌹ઝરીયા મહાદેવ અતી રમણીય વાતાવરણ અને ઘટાટોપ વૃક્ષો વચ્ચે કુદરત રચિત ગુફામાં બીરાજમાન અલૌકિક શિવાલય આવેલું છે. આ શિવલિંગ પર 24 કલાક અને બારે માસ સતત મીઠા અમૃત જેવા પાણીનો અભીષેક થતો રહે છે.

🌹ગુફાની દીવાલોમાંથી શિવલિંગ ઉપર થતા જળાભિષેકનું રહસ્ય હજુ સુધી કોઇ સમજી શક્યું નથી. આ પાણીનું મૂળ સ્ત્રોત ક્યાં છે અને પાણી ગુફાઓની દીવાલમાંથી કઇ જગ્યાએથી આવે છે? તે હજુ સુધી કોઈ જાણી શક્યું નથી.
🌹આ મંદિરનો ઇતિહાસઃ
આ મંદિરનો ઇતિહાસ જોઈએ તો, પાંચાળ ભૂમિમાં 12 વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ આ પાવન ભૂમિ પર વસવાટ કર્યો હતો અને પાંડવો અહીં મહાદેવજી પૂજા અર્ચના કરતા હતા અને અજ્ઞાતવાસ પૂર્ણ થયા બાદ મહાદેવજી સ્વયંભૂ પ્રસન્ન થયા હતા અને ત્યારથી કુદરતી રીતે શિવલિંગ પર પાણીનો બારે મહિના જળાભિષેક થશે તેવું વચન આપ્યું હતું. ત્યારથી ઝરીયા મહાદેવ મંદિરમાં શિવલિંગ પર કુદરતી જળાભિષેક થાય છે.

🌹મંદિરના ગર્ભગૃહમાં પથ્થરની એક મોટી શીલા નીચે સ્વયંભૂ મહાદેવ બિરાજમાન છે. શીલામાંથી ટપકતું પાણી આગળના એક કુંડમાં જમા થાય છે. જેને ભાવિકો પ્રસાદ તરીકે પીવે છે.

🌹શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને સોમવારે ગુજરાતભરમાંથી  મોટી સંખ્યામાં શિવભક્તો ઝરીયા મહાદેવના દર્શનાર્થે ઉમટી પડે છે અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. 
 🌹આ મંદિર  રમણીય વાતાવરણ અને ડુંગરાળની સુંદર  કુદરતી લીલોતરી વચ્ચે આવેલું છે.આ સૌંદર્યસભર દૃશ્યો જોઈને પર્યટકો પણ આનંદવિભોર બની જાય છે. 

🌹આ ઝરીયા મહાદેવ જગ્યા વર્ષો જુની છે. જ્યાં દંતકથા પણ ઉલ્લેખ છે. જેમાં પાંડવો આ જગ્યા પર રહી ચુક્યા છે.આ જગ્યા પર ત્રણ શિવલિંગ વાળુ લિંગ આવેલુ છે. જેના પર અવિરત પડતા જળને કારણે આ જગ્યાનું નામ ઝરીયા મહાદેવ પડયું હતુ. 

🌹એક લોકવાયકા મુજબ ઝરીયા મહાદેવ મંદિરમાં બારે મહિનામાં પથ્થરની એક શીલામાંથી અવિરત પાણી ઝરતું હોવાથી આ રમણીય મંદિરનું નામ ઝરીયા મહાદેવ પડ્યું હોવાનું મનાય છે.
🌹આ પથ્થરવાળા વિસ્તારમાં 400 ફુટ ખોદે ત્યારે પાણી માંડ મળે છે, પરંતુ આ જગ્યા પર 24 કલાક 365 દિવસ અવિરત મીઠાં પાણીની ધારા વહે છે

👉તો મિત્રો આપ ચોટીલા જાવ ત્યારે પ્રભુ અને પ્રકૃતિના રમણીય સંગમ જેવા આ ઝરિયા મહાદેવની મુલાકાત અવશ્ય લેજો.

સંકલનઃ અમીત રાણા 


2) ત્રિનેત્રેશ્ર્વર મહાદેવ અને તરણેતર મેળાનું ઐતિહાસિક મહત્વ
તરણેતર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલું એક ગામ છે. તરણેતર મુખ્યત્વે તેનાં તરણેતર મેળાથી વધારે પ્રખ્યાત છે, જે અહીં આવેલા પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્વર મંદિર પાસે ભરાય છે. વાસુકિ નાગની આ ભૂમિ છે.
 તરણેતર મંદીરની સ્થાપના વિશે લોકવાયકા છે કે અયોધ્યાનાં સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેમણે તેમના ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો જેનું નામ માંધાતા હતુ અને આ તરણેતરનું મંદીર માંધાતાએ બંધાવેલ હતું. તે ઉપરાંત આ મંદીર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે જે મહાભારત કાળની છે. તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેધ થયો હતો અને આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રંસંગ જોડાયેલો છે.
 તરણેતરનું મંદીર દસમી સદીનું હોવાની શકયતા છે કારણ કે મંદીરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો આમ કહે છે. પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા, જેથી તેઓએ આ મંદીરનો જીર્ણોધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણો ઇતિહાસમાં મળે છે. અત્યારનું જે મંદીર છે તેનો જીર્ણોધાર લખતર સ્ટેટનાં રાજવી કરણસિંહજી ઝાલાએ ઈ.સ. ૧૯૦૨ ની સાલમાં ઓગસ્ટ મહિનામાં તેમના પુત્રી કરણબાનાં સ્મરણાર્થે કરાવ્યો હતો, જેનો શિલાલેખ પણ છે. મંદીરનો ઘાટ જુનો છે. તેના ઉપર નવા મંદીરની બાંધણી થઈ છે. આ મંદીરથી થોડે દુર તરણેતર ગામ આવેલું છે. આ મંદીર પાસે ૧૦૦ વીઘા જેવી ખેતીની જમીન છે. મંદીરની સામેની બાજુએ તળાવ છે. તરણેતરનાં આ મંદીરમાં બે શિવલીંગ સ્થાપિત છે. જાણકારોના કહેવા મુજબ મોટું શિવલીંગ પ્રાચીન છે અને તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલીંગની પ્રતિષ્ઠા કરણસિંહજીએ મંદીરનો જીર્ણોધાર કર્યો ત્યારે થઇ છે. આ મંદીરની કોતરણી અને શિલ્પ અદભુત, મોહક અને મનોહર છે. મંદીરની બાજુમાં ત્રણ કુંડ આવેલાં છે જે વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ તરીકે ઓળખાય છે. આ મંદીરની બાંધણી ખુબ જુની તથા  કલાત્મક હોવાથી તેમજ શિલ્પકલાનો વારસો સચવાયેલ હોવાથી આ મંદીર પુરાતત્વ ખાતા હસ્તક લેવાયલ છે.
 તરણેતરનો મેળો યૌવન, રંગ, રૂપ, મસ્તી, લોકગીત, દુહા અને લોકનૃત્યનો મેળો છે. સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા માટે તરણેતરનો મેળો એક અદ્ભૂત સ્થાન છે. તરણેતરનો મેળો ભાદરવા ત્રીજ, ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ ચાલે છે, જેમાં ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. 
પાંચાળ પ્રદેશની પ્રજા દુર ન જઈને એટલે તરણેતરને ગંગા અને હરદ્વાર માનીને તરણેતરમાં આવેલ ત્રણેય કુંડમાં પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ પધરાવી, કુંડમાં નાહીને ગંગામાં નાહયાનું પુણ્ય માને છે અને આ દિવસે જ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ઉપર બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. 
તરણેતરનાં મેળાની ત્રણ વિશેષતાઓ છે - સામસામા બોલાતા દુહા, રાવટીઓમાં વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનોની લહેર અને ૨૦૦ ભાઈ-બહેનોના એક સાથે લેવાતા હુડા રાસ. મેળામાં ગ્રામ્ય સ્ત્રીઓ ત્રણ તાળીના રાસ લેતી ગાતી હોય ત્યારે રાસડામાં એવી હિલોળા લે, જાણે સો શરણાઈઓ સામટી વાગતી હોય એવું વાતાવરણ સર્જાય છે. મીઠી હલકે, મોકળે કંઠે ગાતી અને વાયુવેગે ઊપડતી સ્ત્રીઓનાં રાસડા આકર્ષક હોય છે. 
ભરવાડોના રાસમાં 30 થી 60 સ્ત્રી પુરુષો હોય છે. અહીં દાંડિયારાસ રમે ત્યારે સ્ફૂર્તિથી દાંડિયા ખોડી દૂર જઈ ઊભા રહે અને એટલી જ સ્ફૂર્તિથી પાછા ભેગા થઈ જાય. કોળી સૌરાષ્ટ્રની રંગીલી કોમ છે. ત્યાં તો ગમે તે ઉંમરનો આદમી પણ ઉત્સવ ટાણે આંખમાં સુરમો, માથે લાલ આંટિયાળી ગોળ પાઘડી, પાઘડીને આભલાં ભરેલ લીલા પટ્ટાનું બાંધણું, કેડે બાંધી હોય રંગીલી ભેટ, વળી વધારે રંગીલો હોય તો રાસની વચમાં બબ્બે હાથમાં બે છત્રીઓ ઝુલાવતો જાય. છત્રી પણ કેવી ? સુંદર ભરત ભરેલી સોળ સોળ સળિયાની, સળિયે સળિયે લાલ, પીળા ને લીલા રેશમી રૂમાલ ફરકતા હોય, બહુ લાંબા નહિ તેમ બહુ ટૂંકા નહિ. આ છત્રી કલારસિકોનું આકર્ષણ બને છે. પાતળી કાઠીનાં શરીર અને પાછાં અજબ ચેતનવંતાં. રાસની સાથે ધ્રબુકતા ચાર ચાર ઢોલ અને જોડિયા પાવા સાથે સેંકડોની સંખ્યામાં સ્ત્રીઓ રાસડા લેતી હોય. આ બધાંની સાથે તેમનો ભવ્ય પોશાક ! હીરમાં આભલે ચોડેલાં કમખાં, ઘાઘરા અને ઓઢણાં હોય. આ પ્રસંગે  પ્રણાલિકાગત વસ્ત્રો અને તેવાં જ આભૂષણો પહેરેલાં અનેક કોમોનાં સ્ત્રી પુરુષો અનેરો રંગ જમાવે છે. રાસમાં પુરૂષો જેમ દાંડિયાથી રમે છે તેમ સ્ત્રીઓ મટકી પણ બહુ સરસ લે છે. બંને હાથમાં લોઢાના કે રૂપાના કરડા પહેર્યા હોય અને હાથમાં તાંબા પિત્તળના ઘડા હોય. હીંચ સાથે ઘડા ઝુલાવતી જાય. ઉપર, નીચે અને પાછા ખભેથી સરકાવીને માથા ઉપરથી હિલોળીને હેઠા લાવતી જાય અને ઘડા સાથે તાલબદ્ધ કરડા વગાડતી જાય. આ લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પિક્સ, પશુ પ્રદર્શન, પશુ હરીફાઈ અને રાસ-ગરબા સ્પર્ધાનું પણ આયોજન અલગ અલગ દિવસે કરવામાં આવે છે. આમ તરણેતરનો મેળો રાસ, તાલ, લય, ગીત અને નૃત્યની દ્રષ્ટિએ તેમજ ભાતીગળ પોશાકના વૈવિધ્યથી દેશવિદેશમાં ખૂબ જ લોકપ્રિય બન્યો છે.

                                 -------------
૩) મુળી નાં કુંતલપુર ગામનો ઈતિહાસ. 
પાંચ પાંડવો અને માતા કુંતા પાંચાળમાં આવ્યા અને ગામે કુંતનપુર કુંભારના ઘરે રહ્યા.

સુંદરી ભવાની મંદિર, હળવદ
 તરણેતર થી ઉત્તર દિશામાં 21 km થાય ત્યારે હાલમાં હયાતી ધરાવતું તે ગામનું નામ (કાત્રોડી) છે પહેલા કુંતનપુર ગામ કહેતા હતા ત્યાં પાંડવો અને માતા કુંતા રહેતા હતા અને અત્યારે હાલમાં કાત્રોડી ગામમાં માતા કુંતા નું મંદિર બનાવેલું છે. 
તરણેતર ધામ થી (સુંદરી ભવાની) 28 કિ.મી થાય અને તરણેતર અર્જુને મચ્છવેધ કર્યો પછી અહીં ફેરા ફરવા દે એમ નહોતું એટલે સુંદરી ભવાની જઈને ત્યાં ફેરા ફર્યા અને પાંચ પાંડવો અને દ્રોપદીની મૂર્તિઓ અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિઓ હાલમાં મોજુદ છે ને પાંડવો ફેરા ફર્યા તે ચોરીની હાલમાં નિશાની જોવા મળે છે...?
આ બધી પાંડવોની નિશાની હાલમાં 
સુંદરી ભવાની ગામે જોવા મળશે

ઝાલાવાડ સુરેન્દ્રનગર 

૪) લાલજી મહારાજ ની જગ્યા સાયલા 
ભગતનુ ગામ 

સાયલા એટલે ભગતનું ગામ! અને આ ભગત એટલે લાલજી મહારાજ! કહેવાય છે ને કે ઈશ્વર ભાવનો ભૂખ્યો છે. ભાવથી બોલાવો તો ચોક્કસ આવે. લાલજી મહારાજ એવી જ ભક્તિ અને એવા જ ભાવથી ભગવાન શેષનારાયણને દિવથી 215 કિલોમીટર દૂર છેક સાયલા લઈ આવ્યા! ડાકોરના ભક્ત બોડાણા જેવી જ ભક્તિરસથી તરબોળ વાત સાયલાના ભગત લાલજી મહારાજની છે.
પહેલાં સાયલા ગામનુ નામ લેવામાં આવે તો ભુખ્યા પેટે રહેવુ પડે એવી લોક માન્યતા હતી જે લાલજી મહારાજે ભુખ્યા પેટે આવનાર લોકો ને ભરપેટ ભોજન કરાવતાં અને એ માન્યતા ખોટી સાબિત કરી એટલે જ સાયલા કરતા ભગતનુ ગામ લોકજીભે
 બોલાઈ છે 
અહી પહેલા સુરેન્દ્રનગર થી સાયલા રેલ્વે સર્વિસ પણ ચાલુ હતી જે બાવા ગાડી ના નામે જાણીતી હતી જે પાછળ થી બંધ કરી દેવામાં આવી છે 

લાલજી મહારાજ ની જગ્યા સાયલા ની વાત એવી છે કે 
વિષ્ણુ ભગવાને લાલજી મહારાજને સ્વપ્નમાં દર્શન આપ્યાં હતા લાલજી મહારાજ સાયલા પધાર્યા હતા અને નગરના
ઝાલાવંશના ઠાકોર મદારસિંહજીને બ્રહ્મરાક્ષસના શ્રાપમાંથી મુક્ત કરાવ્યા. ત્યાર પછી સવંત 1889માં તેમણે સાયલામાં સ્થિરવાસ કર્યો. 
એમનો જન્મ વાંકાનેર સ્ટેટ ના સિંધાવદર ગામે ઠક્કર પરિવાર મા થયો હતો 

એક રાત્રે વિષ્ણુ ભગવાને લાલજી મહારાજને સ્વપ્નમાં દર્શન આપ્યાં અને દિવ બંદરે શયન મુદ્રામાં બિરાજિત શેષનારાયણની સ્વયંભૂ પ્રતિમાને સાયલા લઈ આવવા આદેશ કર્યો. ભગત ભક્તિમાં ઓળઘોળ થઈ જગન્નાથના આદેશનું પાલન કરવા દિવ ચાલી નીકળ્યાએ સમયે દિવમાં ફિરંગીઓનું રાજ હતું.

ફિરંગી અફસરોએ ભગત સામે એક શરત મૂકી ભગતે ફિરંગી અફસરોને સ્વપ્નની વાત કહી અને ભગવાન શેષનારાયણની પ્રતિમા સાથે લઈ જવા કહ્યું. ફિરંગીઓને ભગત અને તેમના સ્વપ્ન પર બહુ વિશ્વાસ ન બેઠો પણ ભગતની આભા અને ચહેરા પર ભક્તિનું તેજ જોઈ ના પણ પાડી ન શક્યા. ફિરંગી અફસરોએ ભગત સામે એક શરત મૂકી. શરત એવી કે ઘોડા કે બળદ સાથેનો નહીં પણ વણજૂત્યો રથ લાલજી મહારાજ પાસે ખેંચાઈને આવે તો ભગવાનની શયન મુદ્રા પ્રતિમા લઈ જવા પરવાનગી આપી. ભગત અમથા થોડા કીધા છે! સૌના આશ્ચર્ય અને કુતૂહલ વચ્ચે એ વણજૂત્યો રથ ભગતની સામે ખેંચાઈ આવ્યો અને ભગતની ભક્તિનું સમસ્ત વિશ્વને પ્રમાણ મળ્યું.

ભગતે ભગવાનને સાયલામાં જ સ્થિરવાસ કરવાનું વચન માગ્યું ભગત શેષનારાયણ ભગવાનની પ્રતિમા દિવથી સાયલા લઈ આવ્યા! સવંત 1914માં ભગતે ભગવાન શેષનારાયણની શયન મુદ્રાની પ્રતિમાની સાથે જ રામ-લક્ષ્મણ-જાનકીની મૂર્તિ, શિવલિંગ, ગણપતિજી અને હનુમાનજીની પ્રતિમાની નીજ મંદિરમાં પ્રતિષ્ઠા કરી. એક દિવસ ભગતે ભગવાનને સાયલામાં જ સ્થિરવાસ કરવાનું વચન માગ્યું. ભગવાને વચન આપ્યું પણ સાથે અખંડ દિવો પ્રકટાવવાની અને સદાકાળ ભૂખ્યાને ભોજન કરાવવાની શરત પણ મૂકી! બસ, ત્યારથી એટલે કે 177 વર્ષથી ભગતના ધામમાં અખંડ દિવો ભક્તિનો પ્રકાશ રેલાવે છે અને આજ સુધીમાં એક પણ ભૂખ્યો અહીંથી ભોજન કર્યા વિના પાછો ફર્યો નથી!

મંદિરમાં ભક્તો અને સેવકો મોટી સંખ્યામાં ઊમટે છેવર્તમાન મહંત શ્રી દુગાદાસજીના જણાવ્યા મુજબ ચાર દિશામાં મંડળી ફરે છે. ગુજરાત તેમજ પરપ્રાંતમાં 4 મંડલેશ્વર સાથે ફરીને આ મંડળી ધર્મોપદેશ અને સેવાકાર્યની ભગતની પ્રણાલીને પરંપરાગત રીતે આગળ ધપાવે છે. મંદિરના પરિસરમાં પણ ભક્તો અને સેવકો મોટી સંખ્યામાં ઊમટે છે અને કરતાલ લઈને હરિભજન અને કિર્તન કરે છે.

મંડળી સાથે ચમત્કાર થયો એ વાત 
બંદૂક તાકી ભડાકો ન થયો સવંત 1996ની વાત છે. વડોદરાના ભાયલી ગામે મંડળી ભજન-કિર્તન કરતી હતી. નશો કરીને આવેલા એક માણસે ભજન બંધ કરાવવા બંદૂક તાકી પણ ભડાકો થયો જ નહીં! એ માણસનો નશો ઊતરી ગયો અને મંડલેશ્વરના પગમાં પડી ગયો. મંડલેશ્વરે બીજી દિશામાં ભડાકો કરવાનું કહ્યું, ગોળી છૂટી. આ ચમત્કાર જોઈ સૌ ચકિત થઈ ગયા.

ચારધામની યાત્રા પૂર્ણ થવાની વાયકા ચારધામની યાત્રા પૂર્ણ કરીને લાલજી ભગત અને સ્વયંભૂ શેષનારાયણનાં દર્શન કરવાથી યાત્રા પૂરી થયાની વાયકા છે અને એટલે જ અનેક યાત્રાળુઓનો અહીં દર્શન અને સદાવ્રતનો લાભ લેવા આવે છે. અહીં રૂ. 1 કરોડ ખર્ચે અદ્યતન ગૌશાળા બનાવાઈ છે.
મુખ્ય ગેટની ડાબી બાજુ મ્યુઝિયમ ટાઇપ ભગતના પરચા અને કલરફુલ ફોટો સાથે લખાણ પણ જોવા મળે છે 
ભાવનગર સ્ટેટ વજેસિહ મહારાજ, જોગીદાસ ખુમાણ, 
કેરાળા રાણીમા રૂડીમા, ભુજ દેશળજી બાવા, વગેરે મહા માનવો લાલજી મહારાજના સમકાલીન હતા એ ઐતિહાસિક ઘટના છે 

૫) સમતસર તળાવ 
હળવદ ના સુપ્રસિદ્ધ શરનેશ્વર મહાદેવ મંદિર ના સાનિધ્ય માં આવેલ એતિહાસિક સમતસર તળાવ 



No comments:

Post a Comment