Friday, January 17, 2025

ગુજરાતના પ્રવાસન સ્થળો જુનાગઢ

~~~ જુનાગઢને જાણો ~~~

‘જૂનાગઢ’ ચાર અક્ષરોનો આ એક જ શબ્દ તેની ઓળખાણ માટે પૂરતો છે. ગરવા ગિરનારની ગોદમાં વસેલા ગિરિનગર જૂનાગઢની અનેકવિધ રીતે આગવી વિશિષ્ટતા છે। સળંગ પાંચ હાજર વર્ષનો ઈતિહાસ ધરાવતું ગુજરાતનું આ મોખરાનું શહેર છે. અહીં વૈદિક, પૌરાણિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક, શિલ્પ-સ્થાપત્ય, ઉત્કૃષ્ટ બાંધકામો, સંગીત, કળા-સાહિત્ય, પુરાતત્વ વગેરેનો વરસો સચવાયેલો છે.

જૂનાગઢ પર્વ અને પરંપરાઓનું શહેર છે। નાના-મોટા મેળાઓનો માહોલ અહીં હંમેશાં સર્જાતો રહે છે. દેશ-વિદેશથી પ્રતિવર્ષ પંદર લાખ જેટલા પ્રવાસીઓ અહીં આવે છે. જૂનાગઢ અને ગિરનાર એક સિક્કાની બે બાજુ સમાન છે. ભૂસ્તરશાસ્ત્રીઓનાં મંતવ્ય અનુસાર ગિરનાર પર્વત હિમાલયનો પણ પ્રપીતામહ છે. વેદ અને પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. ગુજરાતભરમાં સમુદ્રની સપાટીથી સૌથી વધુ ઊંચાઈ, ગિરનારની ઉપરના ગોરખનાથના શિખરની છે જે 3666 ફૂટની ઊંચાઈએ આવેલું છે .

ગિરનારે યુગપુરુષ સ્વામી વિવેકાનંદને પણ પ્રેરણા આપી હોવાની વાત જાણીતી છે. આવો આ ગિરનાર યુવાનો માટે સાહસના કેન્દ્ર સમાન બની રહ્યો છે. અહીં રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધાનું પ્રતિવર્ષ આયોજન થાય છે. ગુજરાતના ગૌરવ સમા ગરવા ગિરનારની નિશ્રામાં બિરાજમાન ભગવાન ભવનાથ મહાદેવના સાન્નિધ્યમાં યોજાતો મહાશિવરાત્રીનો મેળો ભારતભરમાં જાણીતો છે, ભક્તિમંત્રનો મહિમા સૂચવતો આ મેળો કાઠિયાવાડની પ્રાચીન ભજન પરંપરાના જીવંત દસ્તાવેજ સમો છે. તેવી જ રીતે ગીરનારની પરિક્રમા પણ લોકજીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. પ્રાતઃસ્મરણીય સંત નરસિંહ મહેતાની આ કર્મભૂમિ છે. સતી રાણક્દેવીના ઇતિહાસની સાક્ષી સમો ઉપરકોટનો કિલ્લો હજુ પણ અડીખમ ઊભો છે.

પુરાણ પ્રસિદ્ધ દામોદરકુંડનો મહિમા ભાવિક્જનોમાં આજે પણ જોવા મળે છે. સમ્રાટ અશોકનો શિલાલેખ અહીં મોજૂદ છે. ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક પરંપરાનો ત્રિવેણી સંગમ અહીં સર્જાયેલો છે.

આ ગુજરાતનું એક એવું શહેર છે કે જેના સીમાડે સમૃદ્ધ એવું ગીરનું જંગલ આવેલું છે. ગિરનારની ગિરિમાળા વિસ્તારનું આ જંગલ 180 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં વિસ્તર્યું છે. જેમાં અદભુત ઔષધ સમી વિવિધ જાતની વનસ્પતિઓ અને ભવ્ય વૃક્ષો આવેલાં છે. ગીરના ડાલામથ્થા કેસરી સિંહો આ જંગલમાં વસી રહ્યા છે જે અહીની એક વિશિષ્ટતા છે. હાલ અહીં 16 સિંહો ઉપરાંત દીપડા તેમજ વિવિધ જાતના ઘણાં વન્ય પ્રાણીઓ તથા પક્ષીઓ જંગલની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે. દેવસ્થાનો અને મંદિરોની આ ભૂમિ છે. ગિરનાર પર્વત ઉપર ભગવાન ગુરુદાત્તાત્રય અને માતા અંબાજી બિરાજમાન છે તેમજ જૈન સંપ્રદાયના દેરાસરો તથા સ્થાનકો આવેલા છે. ગિરિ તળેટી માં આવેલું વિશ્વેશ્વર મહાદેવનું મંદિર, ભવનાથના મંદિર કરતા પણ પ્રાચીન છે. જૂનાગઢ શહેરમાં સ્વામીનારાયણનું મંદિર પણ સુવિખ્યાત છે તેવી જ રીતે વિલિંગડન ડેમની ઉપરના ભાગમાં આવેલા જમીયલશા દાતાર બાપુની જગ્યાનો મહિમા ભાવિક જનોમાં અનેરો છે.

ગુજરાતભરમાં સૌથી વધુ શિલ્પ-સ્થાપત્યો, સ્મારકો અને શિલાલેખો અહીં છે. પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત જાહેર કરાયેલા આવા 107 જેટલા પૌરાણિક સ્મારકો જૂનાગઢના ઇતિહાસની વાતો કહે છે. તેવી જ રીતે શહેરમાં આવેલા બબ્બે મ્યૂઝીયમો, સવા સદી નોંધાવી ચૂકેલું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય પણ સુપરિચિત છે. કૃષિ યુનિવર્સીટી સંકુલ હસ્તકનો મોતીબાગ, સરદારબાગ અને લાલઢોરીની રમણીયતા મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરે છે.

ગુજરાતી ભાષાના આદિ કવિ ભકતશ્રી નરસિંહ મહેતાની આ કર્મભૂમિ છે . મહેતાજી જ્યાં રહેતા તે ‘નરસિંહ મહેતાનો ચોરો’ એક જોવાલાયક સ્થળ છે. અહીં રાસ-ચોરો તેમજ ગોપનાથની દેરી અને નરસિંહ મહેતાની મૂર્તિ છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે.

ગિરિનગર જૂનાગઢ કળા, શિક્ષણ અને સંસ્કૃતિના ધામ સમું છે. ગુજરાતના શહેરોમાં તેનું સ્થાન વિશિષ્ટ છે . જૂનાગઢમાં જે છે તે બીજે ક્યાય નથી. આ પુરાતન નગરની વિવિધતાભરી કથાઓ, તેનો ભવ્ય ઈતિહાસ, ઉપર્યુક્ત સ્થળોનો સવિસ્તર ઉલ્લેખ, જૂનાગઢની ગઈકાલ અને આજ તેમજ ગરવા ગીરનાર અને શહેરના દર્શનીય સ્થાનો વગરે અંગે કડીબદ્ધ અને વિસ્તૃત માહિતી, જૂનાગઢના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોનો પરિચય જેવી વિગતો આપને પ્રસંગોપાત્ત મળતી રહેશે.


૧) વઢવાણ
ગિરનાર પછીનો સૌરાષ્ટ્રનો જૂનામાં જૂનો ભૂભાગ એટલે વર્ધમાન પુરી . વઢવાણ એવું ગામ નામ વર્ધન મહાદેવ કે વર્ધમાન મહાવીર પરથી પડ્યું છે, જે 2500 વર્ષથી પણ વધુ પ્રાચીન હોવાનું મનાય છે ત્યારે ઋષિપાંચમે  સ્થાપના દિવસ માનીને વતન ના વધામણાં ની બે દાયકાથી ઉજવણી કરાય છે. વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા  મોક્ષધામવઢવાણ ખાતે ભોગાવો નદીની આરતી કરે છે. 
મૈત્રકરાજ્યમાં વઢવાણ જિલ્લાનો દરજ્જો ધરાવતું હતું. વઢવાણનગર તેના ઐતિહાસિક ઘટનાઓથી જાણીતું છે. ઈ.સ. 115માં રાણકદેવીનું વઢવાણ ભોગાવામાં સતી થવું, ઈ. સ.1300માં બત્રીસ લક્ષણનો ભોગ લેતી સુપ્રસિદ્ઘ માધાવાવનું સર્જન, 1305માં પ્રબંધ ચિંતામણી નામના મહાન ગ્રંથનું વઢવાણમાં સંપાદન, 1820માં કવિ દલપતરામનો જન્મ, 1921માં ગાંધીજીના હસ્તે વઢવાણમાં ઘરશાળાની સ્થાપના, 1945માં વઢવાણ કેમ્પને સુરેન્દ્રનગર નામ અપાયું. આ તમા ઘટનાઓ વઢવાણની ઐતિહાસિકતા સિદ્ઘ કરે છે. પાટણના રાજવી સિદ્ઘરાજ જયસિંહ રા’ખેંગારને મારીને રાણકદેવીને જૂનાગઢ લઈ જતો હતો ત્યારે રાણકદેવી વઢવાણના ભોગાવામાં સતી થઈ.

આ વખતે દૂહો રચાયો હતો કે, ‘વારુંનગર વઢવાણ, ભાગોળે ભોગાવો વહે, ભોગવતો રા’ખેંગાર હવે ભોગવ ભોગાવાના ધણી ’ ઉજ્જૈનના પ્રખ્યાત રાજવિક્રમ બાપા ગધર્વસને વઢવાણમાં રાજ કર્યું હતું એમ કહેવાય છે કેમ કે, ગધૈપીળી નામનું એક તળાવ જેનું બીજું નામ ફાટસર ત્યાં પૂર્વાભિમુખના સ્વંયભૂ ગણેશની ચર્તુભૂજ આજે પણ બેઠી છે. આ ગણપતિ ફાટસર તળાવ પાસેથી કુંભાર લોકો તેમજ અન્ય લોકો મકાન માટે માટી ખોદે છે. ત્યારે કોઈવાર ઉંડે ઉંડે માટીની ખાણમાંથી ગધૈયા સિક્કા મળી આવે છે.
કલ્પસૂત્ર નામ જૈનશાસ્ત્રમાં જણાવ્યું છે કે, અસ્થિગ્રામ નામના આ સ્થળે ભગવાન મહાવીર પધાર્યા, રાતભર શૂણપાણ યજ્ઞને ઝઝુમતો રહેવા દઈ મહાવીરે તેના કૃપા કરી તેનો ઉદ્ઘાર કર્યો. ત્યારબાદ આ સ્થળ વર્ધમાનપુર તરીકે નામાભિધાન પામ્યું જે કાળક્રમે અપ્રભંશ થતા આજે વઢવાણ તરીકે ઓળખાય છે. હળવદના રાજચંદ્રસિંહજીના પાટવી કુંવર પૃથ્વીરાજજીએ સામંત તળાવમાં પાણી પાતા ઘોડા પાસે શિયાણીના દરબાર અદાજીના ઘોડા ઉ૫ર ચાબૂકના ઘા કર્યા તે વાતની રાજ સાહેબને ખબર પડતાં ઠપકો આપ્યો. આથી, પૃથ્વીરાજજી ગુસ્સે થઈ ત્યાંથી નીકળી વઢવાણમાં સંવત 1660માં જુદું રાજ્ય સ્થાપ્યુ.

ચંદ્રસિંહજીને દાજીરાજ અને બાલાસિંહજી એમ કુંવરો હતા. જેમાં દાજીરાજે સને 1881માં રાજ્યની લગામ હાથ લીધી હી. 5 મે 1885ના રોજ દાજીરાજ સ્વર્ગસ્થ થયા તેમજ પછી બાલસિંહજી, ત્યારબાદ જશવંતસિંહજી, પછી જોરાવરસિંહજી અને છેલ્લે સુરેન્દ્રસિંહજી ગાદીએ આવ્યા હતા. આ સમયે ભારતને આઝાદી મળી અને રજવાડાઓનું વિલીનીકરણ થયું.

વર્ધમાનપુરીમાં ‘યશોભૂષણ સર્વદા વર્ધમાનમ્’ સૂત્ર ગુંજતું હતું.
વઢવાણમાં બ્રાહ્મણો મોટા ભાગે વાઘેશ્વરી ચોક તરફ, માધાવાવ તરફ મોચી, ખાંડીપોળ ખત્રીની કહેવાતી, મુસ્લિમ રહેતાં તેને કસ્બો કહેવાતો, વોરાજી રહેતા તે વિસ્તારને વોરાવાડ, લીંબલીપા, લાખુપોળ, દીવાન ડેલીમાં સોની અને વાણિયા રહેતા, ભરવાડો ખારવાની પોળ બહાર તેમજ અને સતવારા શિયાણીની પોળ બહાર રહેતા હતા. વઢવાણ એ સમયે બાવન બજારનો બાવટો ગણાતું હતું. વઢવાણ શહેર જ્યારે વર્ધમાનપુર તરીકે ઓળખાતું ત્યારે ‘‘યશોભૂષણ સર્વદા વર્ધમાનમ્’’ સૂત્ર ગુંજતું હતું. આજે પણ વઢવાણની અસ્મિતાને ચાહનાર આ સૂત્રે સાર્થક કરી રહ્યા છે. હાલ વઢવાણ માત્ર ઐતિહાસિક બની ગયું છે. વઢવાણ બજારો સુમસામ બની ગયા છે. વેપાર-ધંધામાં સુરેન્દ્રનગરમાં થઈ ગયા છે. વર્તમાન વઢવાણ માત્ર ભૂતકાળને યાદ કરીને ભવિષ્ય તરફ મીટ માંડીને રહ્યું છે.આમ, રાણકદેવી સતીકથા, ભગવાન મહાવીર અસ્થિગ્રામ નામના સ્થળે શુણપાણ યજ્ઞને ઝઝુમતો રાખવાની હવામહેલ, પાડા મસ્જિદ, કાનેટી હનુમાન, શહેરના છ દરવાજા અને કારડીયા રાજપૂતો તથા કંસાર દરબાર ગઢના વિવિધ ઈતિહાસોની કથા આ નગર સાથે સંકળાયેલા છે.

૨)  અશોકનો શિલાલેખ
    જૂનાગઢ શહેરથી ૧.૫ કિ.મી. અંતરે ગિરનાર જતાં ભારતવર્ષના ભૂતકાળની ઝાંખી કરાવતા સમ્રાટ અશોકના ત્રણ શિલાલેખ વિશાલ પથ્થર પર કોતરાયેલા દ્રશ્યમાન થાય છે. ઈ.સ.૧૯૦૦ માં આ શીલાલેખોના રક્ષંણ અર્થે તેનાપર મકાન બનાવવામાં આવ્યું છે. પ્રથમ શિલાલેખ સમ્રાટ અશોકની રાજજ્ઞા સ્વરૂપે ૧૪ ભાગમાં બ્રમ્હીલીપી તથા પાળી ભાષામાં ૭૫ ફૂટ પરિઘ ધરાવતા ખડક પર ઈ.સ.પૂર્વે ૨૫૬ ના વર્ષમાં કોતરેલો છે. બીજો શિલાલેખ ઈ.સ.૧૫૬ ના મહાક્ષત્રપ રુદ્રદામાંના સમયનો છે.અને ત્રીજો લેખ ઈ.સ.૪૬૫ ના વર્ષમાં સમ્રાટ સ્કંદગુપ્તના સમયનો છે.

સમ્રાટ અશોકનો શિલાલેખ 
ત્રીજી સદીના (ઈસ્વીસન પૂર્વે) મૌર્ય સમ્રાટ અશોક નું સૌરાષ્ટ્રમાં શાસન હતું. જેની પ્રમાણિકતા જુનાગઢ ગિરનારના 14 શિલાલેખોમાં મળે છે.અશોક( 273-232 ઈ.પૂ) એ ગિરનારની પહાડીમાં પોતાના 14 શિલાલેખ કોતરાવ્યા હતા.પશ્ચિમી બોલી,કદાચ ઉજ્જૈની અને બ્રાહ્મી લીપીમાં કોતરાયેલા આ શિલાલેખોમાં પશુઓનો વધ,મનુષ્ય અને પશુઓને ચિકિત્સા ઉપલબ્ધ કરાવવા,માં બાપને સન્માન,જીવનમાં મિતભાષી બનવા અને મોહ ત્યાગ,વડીલોને સન્માન ,રાજધર્મ અને જીવ પ્રત્યે દયા વિષે આલેખાયેલું છે.

અશોકનો શિલાલેખ - જૂનાગઢ શહેરની પૂર્વમાં આશરે એક માઇલનાં અંતરે મૌર્ય સમ્રાટ અશોકનાં ઇ.સ. પૂર્વે ૨૫૬ માં લખાયેલા ૧૪ ધર્મશાસનો આવેલાં છે.


૩) દામોદર કુંડ 
 બ્રહ્માજી દ્વારા નિર્માણ થયેલ દામોદર કુંડમાં ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, ક્ષિપ્રા, ચર્મણ્યવતી, ગોદાવરી વગેરે તીર્થ સ્વરૂપ ગણાતી નદીઓનું જળ વહે છે. આ કુંડમાં મનુષ્યનાં અસ્થિ પધરાવવાથી તદ્દન ગળી જાય છે અને મોક્ષ પામે છે.🪷

         

૪) મૃગીકુંડ
ઐતીહાસીકશહેર 

જૂનાગઢનું ધાર્મીક મહત્વ પણ ઘણું છે. 

ગીરનારની તળેટીમાં વસેલા ભવનાથ વીસ્તારમાં ઘણાં ધાર્મીક સ્થળો આવેલા છે. વળી વર્ષમાં બે વખત ભવનાથમાં મેળા પણ યોજાય છે.
                   
ગીરનાર તળેટી અને જુનાગઢ નાં વિવિધ સ્થળો, દાતાર ટેકરી, પ્રાચીન ભવનાથ મંદીર અને મૃગી કુંડ, પૌરાણીક દામોદર કુંડ, મુચકુંદ ગુફા અને રેવતી કુંડ, ઐતીહાસીક ઉપરકોટનો કીલ્લો અને ત્યાંના રક્ષીત સ્મારકો, નરસીંહ મહેતાનો ચોરો, રાજ્ય રક્ષીત સ્મારકો, મહોબત મકબરો, ખાપરા કોડીયાની ગુફા અને બાવા પ્યારેની ગુફાઓ વગેરે, અશોક શીલાલેખ, સક્કરબાગ ઝૂ, દરબાર હોલ અને સક્કરબાગ મ્યુઝીયમનો સમાવેશ થાય છે. વળી ભવનાથમાં યોજાતા મહાશીવરાત્રીનાં મેળા, ગીરનારની પરીક્રમા, ઉપલા દાતારની ટેકરી પરનો ઉર્ષ, દામોદર કુંડ ખાતે ભાદરવી અમાસ, ચૈત્ર અને કારતક માસમાં મોટી સંખ્યામાં પીતૃતર્પણ માટે આવતા ભાવીકો, દર વર્ષે યોજાતી રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની ગીરનાર સ્પર્ધા, થી જુનાગઢ ની રોનક વધે છે.
               ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ ગિરનાર પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૮,૦૦૦ પગથિયા છે.
          દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે જેમાં લાખો લોકો જોડાઇ છે. દર વર્ષે ગિરનાર ચડવાની હરિફાઇ પણ ગોઠવાય છે. સ્થાનિક લોકોનો દાવો છે કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછો સમય ૫૪ મિનીટનો નોંધાયો છે. સામાન્ય માણસને ગિરનાર ચડી પાછા આવતા ૫-૮ કલાક લાગે છે. 
           હિંદુ ધર્મમાં શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડાપગે ગિરનારનાં પગથીયા ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે. જેનું અંતર અમદાવાદ થી ૩૨૭ કી.મી. થાય છે. પ્રાચીન અને અર્વાચીન, બન્ને રીતે આ પવિત્ર સ્થળ ગિરનાર છે.
    પુરાણકારોએ લેખકોએ અને કવિઓએ પોતાની કલમ દ્રારા ગિરનારને બિરદાવ્યો છે અને ઉપસાવ્યો છે. ગિરનારનું પરમ સૌંદર્ય વિશિષ્ટ અને વૈવિધ્યસભર વનસ્પતિઓને આભારી છે. યોગીઓ, સંતો, સિધ્ધો અને સાધુઓનું ગિરનાર નિવાસસ્થાન છે. તેની ગેબી ગુફાઓ અને કોતરોમાં અઘોરીઓ વસે છે. ગિરનારને ઇતિહાસ પુરાણ માં રૈવત, રેવંત, રૈવતક, કુમુદ, રૈવતાચળ અને ઉજજ્યંત પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. ગિરનારને વસ્ત્રાપથ ક્ષેત્ર પણ કહે છે. કારણકે વસ્ત્રોનો ત્યાગ કરી જયાં સિધ્ધોએ તપ કર્યુ તેથી આ ક્ષેત્રને વસ્ત્રાપથ કહે છે. ગિરનાર ક્ષેત્રની સિમાઓ ઉતરે ભાદર, દક્ષિણે બીલખા, પૂર્વમાં પરબધામ-તા.ભેસાણ અને પશ્ચિમે વંથલી સુધીની ગણાય છે. એક વાર્તા મુજબ પહેલા પર્વતોને પાંખો હતી અને તેઓ ઉડતા હતા. ઇન્દ્ર એ બધા પર્વતોની પાંખો વજ્રથી કાપવા માંડી ત્યારે રૈવતક પર્વત છુપાઇ ગયેલો. દ્વારિકા માં જ્યારે કૃષ્ણ રાજ્ય કરતા હતા, અને અર્જુન જ્યારે વનવાસ દરમિયાન તેમને મળવા આવ્યો ત્યારે, આ પર્વત પાસે જ કૃષ્ણએ તેને સુભદ્રા બતાવી હતી. અને અહીંથી જ સુભદ્રાનું અપહરણ કરી અર્જુન લઇ ગયો હતો.
     સ્કંદ પુરાણ ના પ્રભાસખંડમાં ગિરનાર નું મહાત્મ્ય આપેલું છે, તે મુજબ ગિરનારનું ક્ષેત્ર દશ-દશ ગાઉના પરિઘમાં ફેલાયેલું હતું. ગિરનારમાં આનંદ, કાલરોધ, સનક, વ્રૂષ, નીલ, ક્રૂષ્ણ અને રૂદ્ર જેવા અનેક પુણ્યસ્થળો અને વિવરો છે. પ્રભાસખંડ ગિરનારનું વર્ણન આપતા વિશેષ કહે છે કે, ગિરનાર શિવ લિંગાકાર છે. તેના ભૈરવ, ગજપદ, રામાનંદ, મહાશૂંગ, અંબિકા અને શ્રીચક્ર વગેરે શિખરો તથા સિંહ, વિજય, કમલ, ત્રિલોચન, કુબેર અને અશ્વત્થામા વગેરે શૂંગો છે. આ શિખરો અને શૂંગો આજે પણ છે. પરંતુ સમય જતાં તેનાં નામોનું પરિવર્તન થઈ ગયું છે.
ગિરનારએ અગ્નિકૃત પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે.
        ગરવા ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભુ છે.
આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી દુર પ્રક્રુતિનાં ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે સુમધુર કરતા પક્ષીઓનાં કલરવ સાથે પ્રક્રુતિની ગોદમાં જીવનનાં ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં બને તેટલું યથા શક્તિ પુણ્યનું ભાથુ બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. તે દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળેકળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે ૩૬ કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી.
        ગિરનાર ચોર્યાશી સિધ્ધોનું નિવાસ સ્થાન છે. યોગીઓની તપોભૂમિ છે. સાધુ-સંતો માટે માનો ખોળો ગણાય છે. સંસારના તાપથી દાઝેલાઓ માટે પરમ શાતા આપતું સ્થાન છે. ભવનાથનો સેંકડો વર્ષોથી સાધુ-સંતોનો મેળો ભરાય છે. દેશ વિદેશથી સાધુ-સંતોની વચ્ચે સંત સમાગમ તથા સત્સંગ કરવા ગિરનારની ગોદમાં આ ભવનાથનાં મેળે આવે છે. અમરાત્મા અશ્વત્થામા અને પાંચ પાંડવો આ ભવનાથનાં મેળામાં શિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સ્નાન કરી અને ભવનાથ મહાદેવનાં દર્શન કરવા આવે છે તેવી પણ એક લોકવાયકા છે.આમ પણ આ મેળાની સાથે જોડાયેલ મહત્વની બે જગ્યાનો પુરાણો ઇતિહાસ છે.
    ભવનાથ મહાદેવ આપણા શાસ્ત્રોમાં કોઈપણ મંદિરનાં પ્રાગટય વિષેની જે વાતો જોવા મળે છે તે મુજબ ભવનાથ મહાદેવની કથા પ્રચલિત છે તે પ્રમાણે જયારે પ્રલય થયો અને બ્રહ્માનાં દિવસનો અંત આવ્યો, ત્યારે સૃષ્ટિ રુદ્રમાં લય પામી. પ્રભાત થયું ત્યારે બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર સત્વ, રજસ અને તમસ રૂપે પ્રગટ થયા. પ્રલય વખતે શિવ જળમાં સમાધિસ્થ હતા. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર વચ્ચે કોણ મોટું એ અંગે વિવાદ જાગ્યો. તે સમયે શિવ વચ્ચે પડયા અને બ્રહ્માને ઉત્પતિ, વિષ્ણુને પાલન પોષણ અને રુદ્રને સંહારનું કામ સોંપી તકરારનો અંત આણ્યો.
           જેથી જગતપિતા બ્રહ્માએ શિવજીને સંસારમાં રહીને સંસારીઓના સુખદુ:ખનું સમાપન કરવા વિનંતિ કરી. આથી ભગવાન શિવએ પૃથ્વી પર નજર દોડાવી. વનરાજીથી આભુષિત એવા ઉજર્યત પર્વત (ગિરનાર) તેમની નજરે ચડયો. જેથી ગિરનારનાં ખોળે ભગવાન શિવએ આસન જમાવ્યું. બીજી તરફ કૈલાશમાં મહાદેવને ન જોતા પર્વતીએ શોધખોળ આરંભી. શિવને દેવોએ સૃષ્ટિ પર મોકલ્યા છે તે જાણીને પાર્વતી ક્રોધે ભરાયા. પતિની શોધ કરતા કરતા પાર્વતી મહાદેવે જયાં આસન જમાવેલું ત્યાં આવ્યાં. જેની સાથે બીજા દેવતાઓ પણ હતાં. તે દિવસે ભગવાન શિવ ભવનાથરૂપે પ્રગટ થયા તે દિવસ વૈશાખ સુદ પૂનમનો હતો. પાર્વતીએ અંબિકારૂપે ગિરનાર ઉપર તથા વિષ્ણુએ દામોદર તરીકે દામોદર કુંડમાં વાસ કર્યો. અન્ય દેવતાઓ, યક્ષો, ગાંધર્વોએ ગિરનારનાં અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા હતા તેમ લોકવાયકા છે.
               મૃગીકુંડ ભવનાથ મહાદેવની બાજુમાં આવેલા આ મૃગીકુંડની પણ આવીજ વિસ્મયભરી કથા છે. કાન્યકુબ્જનાં રાજાભોજને તેના અનુચરે એક દિવસ કહ્યુ કે રેવતાચળનાં જંગલમાં હરણનાં ટોળામાં માનવ શરીરધારી કોઈ સ્ત્રી ફરે છે. હરણની જેમ તે કુદે છે જેનું મોઢું હરણનું છે જયારે તેનું શરીર સ્ત્રીનું છે. જેથી રાજા દિવસોની મહેનત બાદ આ નવતર પ્રાણીને પોતાના મહેલમાં લઈ આવ્યા. ત્યારબાદ પંડીતોને આ ભેદ ઉકેલવા વિનંતિ કરી. વિદ્વાનો કોઈ માર્ગ ન શોધી શકતા રાજા ભોજ કુરૂક્ષેત્રમા તપ કરી રહેલ ઉર્ધ્વરેતા નામના ઋષિ પાસે જાય છે.
      ઉર્ધ્વરેતા ઋષિએ મૃગીમુખીને માનવીની વાચા આપી જેથી તેણે પોતાના ગત જન્મની વાત કરી કે, આગલા ભવમાં રાજા ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી. સિંહે મૃગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતા વાંસની ઝાડીમાં તેનું મસ્તક અટવાઈ ગયું અને બાકીનું શરીર સુવર્ણરેખા નદીના પાણીમાં પડ્યું. નદીના પવિત્ર પાણીમાં શરીર પડવાથી તે માનવજન્મ પામી. પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું. જેથી ઉર્ધ્વરેતા ઋષિનાં આદેશ પ્રમાણે રાજા ભોજે તપાસ કરાવી તો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી આવી. તે સુવર્ણરેખાનાં જળમાં પધરાવવામાં આવી. તેથી મૃગમુખીનું સમગ્ર શરીર માનવીનું બન્યું. અને રાજા ભોજે વિદ્વાનોનાં આશીર્વાદ લઈને તેની સાથે લગ્ન કર્યા. ત્યાર બાદ પત્નીનું સુચન માનીને રાજાએ રેવતાચળ (ગિરનાર)ની તળેટીમાં એક કુંડ બનાવડાવ્યો. તે કુંડ એટલે આ મૃગીકુંડ. આ કથા લોકાધારિત છે. અને આજ કુંડમાં શિવરાત્રિએ સાધુઓ નાહવા પડે છે.

૫) ભવનાથ મંદિર
ઐતિહાસિક પવિત્ર મૃગીકુંડ  ભવનાથ મહાદેવ મંદિર પરીસર ગિરનાર તળેટી જૂનાગઢ મહાનગર

ભવનાથ મહાદેવ મંદિર
ગિરનાર તળેટી
     જૂનાગઢ
       ગુજરાત
************

ભવનાથ મહાદેવને લોકભાષામાં, ભાવેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે. શિવજીનાં વારાણસી, કુરૃક્ષેત્ર, નર્મદામાંના નિવાસથી જે દર્શન લાભ મળે છે. તેવું જ ફળ ભવનાથ મહાદેવનાં દર્શન માત્રથી મળે છે.
સંત, શૂર અને સાવજની સોરઠ ભૂમિમાં દૈદીપ્યમાન રૈવતાચળ પર ગિરનાર પર્વત બિરાજમાન છે. અહીં ચૌર્યાસી સિધ્ધોનું નિવાસસ્થાન છે તો આદ્યગુરુ દત્તાત્રેય ભગવાનનાં બેસણા પણ છે. આવા ગરવા ગિરનારની ગોદમાં પૌરાણિક ધાર્મિક મહાત્મ્ય ધરાવતા ભવનાથ મહાદેવનું મંદિર આવેલું છે. જયાં દર વર્ષે મહાશિવરાત્રિ પર ભરાતા મિની મહાકુંભનું અનેરુ મહત્વ છે.

આપણાં દેશમાં ઉજ્જૈન, અલ્હાબાદ, ત્ર્યંબકેશ્વર અને હરદ્વારમાં દર ત્રણ વર્ષે એકવાર કુંભ મેળો અને ૧૨ વર્ષે મહાકુંભ યોજાય છે. જ્યારે પર્વતાધિરાજ ગિરનાર સાનિધ્યે ભવનાથનો આ મિની મહાકુંભ પ્રતિવર્ષ મહાવદ નોમથી મહાશિવરાત્રિ પર્વ પાંચ દિવસ માટે યોજાય છે.
મહાશિવરાત્રિ પર, ગિરનારની તળેટીમાં ભરાતા આ પરંપરાગત મેળામાં દેશ- વિદેશમાંથી દસલાખથી પણ વધુ ભાવિકો ઉમટી પડતા હોય છે, ત્યારે ભજન- ભક્તિ ભોજન પ્રસાદની આહલેક સાથે જય ગિરનારી હરહર મહાદેવનાં જયઘોષથી ગિરિકંદરાઓ ગુંજી ઉઠતી હોય છે.

જેના સાનિધ્યમાં, આકાર અને નિરાકારનાં મિલનની એવી મહારાત્રિ,નો પાંચ દિવસીય મહાકુંભ યોજાય છે. તેવા ભવનાથ મહાદેવની પ્રાગટય કથા પૌરાણિકગ્રંથોમાં સુંદર રીતે વર્ણવી છે. અહિં વૈશાખ સુદ પૂનમનાં દિવસે ભગવાન મહાદેવ સ્વયં પ્રગટ થયા હતા. પૂર્વકાળમાં જ ભગવાન ભોળાનાથે ગિરનારનાં ખોળે પોતાનું આસન જમાવ્યું હતું.
ભવનાથ મહાદેવને લોકભાષામાં, ભાવેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે. શિવજીનાં વારાણસી, કુરૂક્ષેત્ર, નર્મદામાંના નિવાસથી જે દર્શન લાભ મળે છે. તેવું જ ફળ ભવનાથ મહાદેવનાં દર્શન માત્રથી મળે છે. સ્કંદ પુરાણમાં પણ એવો ઉલ્લેખ જોતા મળે છે કે શિવરાત્રિનાં પાવનકારી પર્વમાં ભવનાથનાં દર્શનથી સાત પાપો નો નાશ થાય છે. એજ પ્રમાણે ભવનાથ મંદિરમાંનાં સંકુલમાં આવેલા મૃગીકુંડ, અને તેનામાં સ્નાનનો મહિમા પણ એટલો જ પૌરાણિક છે.

આ કુંડની સ્થાપના પાછળ એક પ્રાચિન કથા રહેલી છે. કનોજનાં ભોજ નામનાં એક રાજા અને તેમની મૃગી મુખવાળી રાણી સાથે ગિરનાર પર્વતની યાત્રા અને પ્રદક્ષિણા કરેલી. ત્યારે જે સ્થળે પોતાના તથા પોતાની રાણીનાં આગલા સાત જન્મો બળીને ભસ્મ થયા હતા. તે જગ્યાઓ પર રાજા એ મૃગમુખીનાં નામથી કુંડ બનાવ્યો.
અને તેના પરથી આજનું પ્રખ્યાત નામ મૃગીકુંડ પડયું. એટલે જ આ ગિરનાર ના આ તીર્થ સાથે ભવનાથ મહાદેવ તથા મૃગીકુંડની કથાનું મહાત્મ્ય જોડાયેલું છે. માટે અહીં મહાશિવરાત્રિનાં લઘુ મહાકુંભમાંના પાંચ દિવસ દરમિયાન ભક્તિ અને શક્તિનો સુંદર સંગમ જોવા મળે છે.

ગિરનારની ગોદમાં મહાવદ નાં દિવસે શિવાલય ભવનાથનાં શિખરે બાવન ગજની ધજા ચડાવાય છે. ત્યારથી શિવરાત્રિનાં મહાકુંભનો પ્રારંભ થતો હોય છે. 

મહાશિવરાત્રિનાં પર્વ પર લાખો જન સમુદાય વચ્ચે નાગા સાધુબાવાઓનું સરઘસ, શાહી સવારી અને તેજરાત્રિએ ૧૨ વાગ્યાનાં ટકોરે મૃગી કુંડમાં સાધુ બાબાઓનું શાહી સ્નાન એ ભક્તિમય ઘટના ગણાય છે. 

આની પાછળ એક પૌરાણિક માન્યતા રહેલી છે, કે આ મૃગીકાંડનાં સાધુઓનાં સ્નાનની વચ્ચે બ્રહ્મા- વિષ્ણુ, મહેશ અને આદ્યગુરૃ દત્તાત્રેય ભગવાન પણ પધારે છે. જેમનાં દર્શન માત્રથી જન્મોજન્મનાં ફેરામાંથી મુક્તિ મળી જાય છે. મહાશિવરાત્રિની મધ્યરાત્રે નિરાકાર દેવ ગણાતાં શિવજી પણ આકારરૃપ ધારણ કરી જીવનાં મિલન માટે પૃથ્વી પર પધારે છે. એટલે જ ભવનાથનો આ મેળો જીવ અને શિવનાં મિલનનાં પ્રતીક સમાન ગણાયો છે.

૬) ગિરનાર પર્વત પર આવેલ રહસ્યમય કુંડ.
🔸ભીમકુંડ : ભીમકુંડનું પાણી ઉનાળાની સખત ગરમીમાં શીતળ રહે છે. આ કુંડ જૈન દેરાસરના સાનિધ્યમાં આવેલ છે.

🔸 ગજપદ કુંડ : ગજપદકુંડમાં ચૌદ હજાર નદીના જળ વહે છે.આ કુંડના પાણી પીવાથી કે સ્નાન કરવાથી જીવન સ્વાસ્થ્યમય રહે છે.

🔸કમંડળ કુંડ : કમંડલ કુંડનું નિર્માણ ભગવાન ગુરુ દત્તાત્રેયમાં કમંડલ ફેકવાથી થયું, આ કુંડનું જળ અખૂટ છે.

૭) ગોરખનાથનો ધુણો (ગોરખ ટુંક) 
ગુજરાત રાજયનાં સૌથી ઉંચા સ્થળમાં જેમની ગણના થાય છે.તે ગિરનાર પર્વતની સૌથી ઉંચી ટુંક એટલે કે ગોરખટુંક. જે ૩૬૦૦ ફુટની ઉંચાઈ વાળુ ગોરખ શિખર આવે છે. અહીં નાથ સંપ્રદાયનાં નવનાથ માનાં ગોરખનાથજીનો ધુણો અને તેમની ચરણ પાદુકા આવેલી છે. અહીંથી પુર્વ બાજુ ઓઘડનાથની ટુંક આવેલી છે.અહીંથી પગથિયાં નીચે ઊતરીને કમંડળ કુંડ તરફ જવાય છે. કુંડ પાસે ગુફા, દત્તાત્રેય ભગવાનનું સુંદર મંદિર આવેલુ છે જેમા દત્તાત્રેયનો ધુણો છે. અહીં સાધુઓનું અન્નક્ષેત્ર નિયમિત ચાલે છે. આવનાર તમામ યાત્રિકોને પ્રેમથી દાળ, ભાત, શાક અને રોટલીનો પ્રસાદ જમાડે છે. બાજુમાંજ નંદીશ્ર્વર મહાદેવનુ મંદિર આવેલુ છે. થોડે દુર અનસુયાની ટુંક આવેલી છે. આમ આગળ જતા રસ્તો ખૂબજ થકાવનારો હોય છે. આમ ગિરનારની ઉંચામાં ઉંચી ટુંક ગોરખનાથ ટુંકથી આગળ વધાય છે.
ડાબી બાજુ ગુરૂ દત્તાત્રેય શિખર જવાનો રસ્તો અને જમણી બાજુ કમંડળ કુંડ

૭) ગિરનાર દત્તાત્રેય મંદિર - ગીરનાર
હિમાલય કરતાં પણ જૂનો અને જ્વાળામુખી બનેલો ગિરનાર પર્વત ૧૧૦૦(૩૬૬૦ ફૂટ) મીટર જેટલો ઊંચો છે. ગિરિમાળા ૭૦ ચોરસ માઈલમાં વિસ્તરેલી છે અને સમુદ્રની સપાટીથી 3000 ફૂટથી પણ વધારે ઊંચાઈ ધરાવે છે.
 ગિરનારની ગિરિમાળામાં પર્વતોનો એક સમૂહ આવેલો છે, જેમાં ઉત્તરથી દક્ષિણ તરફ જતા બાબરીયો, ખોડીયાર, લાખામઢી, કાબરો, કનૈયો, ઉદ્યાકોટ, લંબધાર અને નટાકિયા આ નામના ડુંગરો છે. 
અહીંના મુખ્ય શિખરોમાં અંબાજી, ગોરખ, અઘોઢ, દત્તાત્રેય અને કાલિકા છે. આ શિખરોમાં ગોરખનાથનું શિખર સૌથી ઊંચું ૩૬૬૬ ફૂટ છે જ્યારે દત્તાત્રેય શિખર ૨૩૯૫ ફૂટ, અંબાજી શિખર ૩૩૩૦ ફૂટ છે તેમજ માળીપરબ ૧૮૮૦ ફૂટ ઊંચું છે. 

જૂનાગઢ: 
ગિરનારનાં ગુરૂ દત્તાત્રેય શિખરે દત્ત ભગવાન નુ મંદિર

ગુરુ દત્તાત્રેય : ગિરનાર પર્વત ભગવાન ગુરુ દત્તાત્રેયની સાધના ભૂમિ છે, જેના કણ કણમાં ગુરુ દત્તાત્રેયની દિવ્યતાની અનુભૂતિ થાય છે. ભારત દેશમાં ગિરનાર એક એવું સ્થાન છે, જ્યા ગુરુ દત્તાત્રેયના ચરણારવિંદ આવેલ છે. કહેવાય છે કે, બ્રહ્મા,વિષ્ણુ અને શિવના સ્વરૂપે પ્રગટ થયેલ ગુરુ દત્તાત્રેય ગિરનારમાં ૧૨૦૦૦ વર્ષ તપ કર્યું હતું.ગિરનારના શિખર પર આવેલ ગુરુ દત્તાત્રેયનું મંદિર ત્રેતાયુગના સમયનું છે.ષટકોણ આકાર મંદિરમાં ગુરુ દત્તાત્રેયના ચરણારવિંદનાં દર્શન માત્ર થી શ્રદ્ધાળુઓનો ગિરનાર ચઢાણનો થાક પળભરમાં વિસરાય જાય છે.
૮) સુદર્શન તળાવ જુનાગઢ 
ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા નિર્માણ થયેલું સુદર્શન તળાવ.🌊
મગધના નંદવંશનો નાશ કરી, ગણરાજયોને ખતમ કરી, ભારતને એકચક્રી બનાવનાર ચંદ્ર મૌર્ય ગુપ્ત ઇ.સપૂર્વે ૩૨૨ પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. આમ તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર જૂનાગઢ (ગિરિનગર)માં પુષ્યગુપ્ત નામનો પોતાનો સુબો મુક્યો હતો.પુષ્યગુપ્ત સુવર્ણસિકતા નદી પર સુદર્શન નામનું સરોવર બંધાવ્યું હતું. સમ્રાટ અશોકના તુસાચ્ય નામના સૂબાએ તેમાં નહેરો ખોદાવી સિંચાઈનું કાર્ય કર્યું હતું. સ્કંદગુપ્તના પર્ણદત્ત નામના સૂબાએ અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલા સુદર્શન તળાવને કરી બંધાવ્યું.🙏

9) તુલસીશ્યામ મંદિર અને કુંડ

દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણે આ સ્થાન પર તૂલ નામના દાનવનો વધ કર્યો હતો એટલા માટે આ સ્થાનનું નામ તુલસીશ્યામ પડ્યું છે. આ 3 હજાર વર્ષ જુનું ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર છે, જેનું નિર્માણ કાળા પથ્થરથી થયેલું છે. 

ગીરના જંગલની વચ્છે આવેલું છે આ મંદિર, કુદરતી સૌદર્યથી ભરપુર છે આ સ્થળ. અહીંના જંગલમાં હરણ, સિંહ, દિપડા જેવા પ્રાણીઓ જોવા મળે છે. આ જંગલની લીલોતરી મનને શાંતિ આપનારી છે. આ જગ્યા તેના ગરમ પાણીના કુંડ માટે જાણીતી છે. આ કુંડમાં સ્નાન કરીને પૂજા કરવાનો મહિમા અપાર છે.
તુલસીશ્યામ ગરમ પાણીના કુંડ જ્યાં નવાથી ચામડીના રોગ મટી જાય છે ને રસ્તામાં જંગલી પ્રાણીઓ જોવા મળે છે.


તુલસીશ્યામ નો ઇતિહાસ

પક્ષી બેસે તો મરી જાય એવું ‘મિંઢો હરમ્યો’ નામનું ઝેરી ઝાડવું જ્યાં પૂર્વે હતું એ મીંઢાના નેસ નામના નાના ગામડાનો નિવાસી ચારણ દેવી સાંતિયો, આજથી પાંચસો વર્ષ પૂર્વે ‘લેરિયાના નેસ’ નામે ગામથી પોતાની વરોળ(ન વિયાંય તેવી) ભેંસ પર બેસીને ચાલ્યો આવે છે. માર્ગે બરાબર આ ડુંગરા વચ્ચે જ રાત પડે છે.
ઘનઘોર અટવી, સામેના રુક્મિણીના ડૂંગર પરથી વાજતેગાજતે વરઘોડો ચાલ્યો આવે, શૂરવીર ચારણ તલવાર ખેંચી એ પ્રેમસૃષ્ટિને ડારવા ઉભો રહ્યો, પણ જાણે એને કોઈ જ્યોતિ સ્વરૂપે કહ્યું કે, ‘દેવા સાંતિયા ! આંહી મારી પ્રતિમા નીકળશે; આંહીં એની સ્થાપના કરજે.’ ચારણ નિંદ્રામાં પડ્યો

પ્રભાતે પાંદડા ઉખેળતાં શ્યામ પ્રતિમા સાંપડી. કંકુ તો નહોતું, પણ ચારણ સદા સિંદૂરની ડાબલી સાથે રાખે, સિંદૂરનું તિલક કર્યું. ( આજ સુધી એ પ્રતિમાને સિંદૂરનું જ તિલક થાય છે.) બાબરીયાઓનું ને ગીર નિવાસી ચારણોનું એ તીર્થધામ થયું. પ્રતિમાજીને નવરાવવા ત્યાં ગરમ પાણીના કુંડ પ્રગટ થયા.

એ પાસે જ થઈને નાનું ઝરણું ચાલ્યું જાય છે. તેનું જળ શીતળ ને આ કુંડનું પાણી તો ચૂલા પરના આંધણ જેવું ફળફળતું. પ્રથમ એમાં પોટલી ઝબોળીને પ્રવાસીઓ ચોખા ચોડવતાં. પણ એક વાર કોઈ શિકારીએ માંસ રાંધ્યું, ત્યારથી એની ઉષ્મા ઓછી થઈ છે. હવે એમાં ચોખા નથી ચઢતા, પણ તમે સ્નાન કરો એવું ઉનું પાણી તો એમાં સદાકાળ રહે છે.

કોઈએ કહ્યું કે એમાં દેડકાં પણ જીવતાં જોવામાં આવે છે. એ તો ઠીક, પણ એ પાણીની ગંધનો પાર નથી કોઈક જ વાર કુંડ સાફ થાય ખરાં ને ! તીર્થો ઘણાંખરાં ગંદકીથી જ ભરેલાં .તીર્થક્ષેત્રે કૃતં પાપં, વજ્રલેપો ભવિષ્યતિ.

એક દિવસ આ તુલસીશ્યામની જાહોજલાલી હતી. બાબરીયાવાડના બેંતાલીસ ગામ એ ‘શ્યામજીના ધામ’ ઉપર ઓછાં ઓછાં થઈ જતાં. અટવીનાં નિવાસી અજ્ઞાન આહીર – ચારણો અને બાબરિયાઓના અંધારે પડેલા જીવનમાં આસ્થા અને પવિત્રતાનું દિવેલ પુરાતું. પણ પછી તો એ જગ્યાની સમૃદ્ધિ વધી.

એક મહંતે કંજૂસાઈ કરી કરીને દ્રવ્ય સંઘર્યું. અરણ્યમાંથી ઉપાડીને એણે ડેડાણ શહેરમાં વસવાટ જમાવ્યા, આ જગ્યા ફના થઈ ગઈ. અને એ સૂમનું સંચેલું ધન આખરે એક શિષ્યને હાથે ગાદી પ્રાપ્તિના કજીયામાં લડવામાં કુમાર્ગે વહી ગયું. (આપણે જૈનો, સ્વામીપંથીઓ – બલકે જાહેર કાર્યકર્તાઓ પણ ન ભૂલીએ કે ધર્માદા સંચેલ દ્રવ્યની આખરી અવદશા એ જ થાય છે.

આજે એ સ્થળે એક જુવાન દૂધાહારી ઉત્તર હિંદુસ્થાની સ્વામીએ ગૌશાળા તરીકે બાંધી જગ્યાનો પુનરુદ્ધાર આદરેલો દીસે છે. આ હિંદુસ્થાની સાધુઓ ભારી વિલક્ષણ. કાઠિયાવાડમાં ઠેર ઠેર તમને અક્કેક ધર્મસ્થાનક ખરી નિષ્ઠાથી ચલાવતા જોશો. સામાન્ય રીતે સ્વભાવના કડક, સ્વતંત્ર તાસીરના ને મોટા ચમરબંધીની પણ પરવા ન રાખનાર ફાટેલ પ્યાલાના હોય છે. આપણામાં એ દૈવત ક્યારે આવશે?

આ કથા સૌરાષ્ટ્રના ખંડેરો માથી (ઝવેરચંદ મેઘાણી) લેવાયેલ છે, હવે જાણીયે પુરાતન કાળ ની કથા.

એવું કહેવાય છે કે જાલંધર નામના એક યોદ્ધાએ દેવોને હંફાવ્યા હતાં અને તેની પર ખુશ થઈને વિષ્ણુએ તેને વરદાન માંગવા કહ્યું તો તેણે માંગ્યું કે વિષ્ણુ અને પોતાની બહેન લક્ષ્મી પોતાના ઘરે રહે. ભગવાને તેને વરદન આપી દિધું અને કહ્યું કે જે દિવસે તેનાથી અધર્મનું આચરણ થશે તે દિવસે તેઓ ત્યાંથી જતા રહેશે.
જાલંધરને પત્ની વૃંદા જેવી એક સતી સ્ત્રી હતી. હવે તેના રાજ્યમાં ધર્મચક્ર ચાલતું હતું પરંતુ દેવો સાથે તેણે વેર બાંધી લીધા હતાં. નારદજીએ એક વખત તેમની પાસે આવીને કહ્યું કે બધા જ દેવોની પાસે એક સુંદર પત્ની છે તો તારી પાસે શું છે? તેણે કહ્યું કે મારી પાસે વૃંદા છે તો નારદે કહ્યું સતી ખરી પણ સ્વરૂપવાન તો નહી જ ને. તેમણે નારદને પુછ્યું કે સૌથી સ્વરૂપવાન કોણ છે? નારદે કહ્યું પાર્વતી તો તેમણે પાર્વતીને પ્રાપ્ત કરવાનું પ્રણ લીધું. ત્યારે જાલંધરની મતિ બગડી ત્યારે તેનો ધર્મભ્રષ્ટ થયો. હવે વિષ્ણું તેનો સાગરલોક છોડીને વિષ્ણુંલોકમાં પાછા ફર્યા.
અત્યારે જ્યાં તુલસીશ્યામ છે ત્યાં વિષ્ણુએ મનોહર ઉદ્યાનની રચના કરી અને સાધુનો વેશ લઈને સમાધિમાં બેસી ગયાં. બીજી બાજુ વૃંદાને સ્વપ્નું આવ્યું કે કંઈક અમંગળ બનવાનું છે. તે વાતની ખાત્રી કરવા માટે ચાલી ત્યાં રસ્તામાં તેને તે સુંદર ઉદ્યાનમાં તપસ્વી દેખાયા. તે તેમની પાસે ગઈ અને તેમને પોતાની વાત જણાવી. સાધુએ કહ્યું તે તારા પતિનુ મૃત્યું થયું છે અને વૃંદાના ખોળામાં તેના પતિના શરીરના ટુકડા પડવા લાગ્યા. વૃંદાને વિલાપ કરતી જોઈને વિષ્ણુએ નકલી જાલંધર ઉત્પન્ન કર્યો અને વૃંદાએ તેની સાથે સંભોગ કર્યો તેથી તેનો સતી ધર્મ નષ્ટ થયો. વૃંદાનો સતી ધર્મ નષ્ટ થવાથી શંકર સાથેના યુદ્ધમાં જાલંધરનું મૃત્યું થયું. તેને ખ્યાલ આવી ગયો કે આ બધી વિષ્ણુની માયા છે તેથી તેણે વિષ્ણુને શાપ આપ્યો કે તારી પત્નીનું પણ કોઈ તપસ્વી દ્વારા અપહરણ થશે.
વિષ્ણુએ વૃંદાને મનાવવાના ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ વૃંદાનું મન માન્યું નહિ. વિષ્ણુંએ તેને વરદાન આપ્યું કે તુ વનમાં તુલસી બનીને રહીશ અને દરેક શુભ કાર્યોમાં તારૂ મહત્વ રહેશે. તુ પ્રાણીઓની પીડાને ઓછી કરીશ. તુ તુલસીરૂપે અને હું શ્યામ શૈલ રૂપે અવતરીશ અને તુલસીશ્યામ રૂપે આપણે દુનિયામાં ખ્યાત બનીશું. આ રીતે ભગવાનના વરદાનથી વૃંદા તુલસીના રૂપે અવતરી અને વિષ્ણુ શ્યામ શૈલ્યના રૂપે અવતર્યા. અને તે જ મનોહર ઉદ્યાનમાં તુલસીશ્યામની પ્રતિષ્ઠા થઈ.

આ તુલસીશ્યામની આજુબાજુ ભારે ગીરનું જંગલ આવેલ છે અને કોઈ ગામ નથી. અહીંયા ભાદરવી સુદ અગિયારસના દિવસે જલઝિલણીનો મોટો મેળો ભરાય છે જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે.

વન વિભાગના રક્ષિત વિસ્‍તારમાં આવેલા તુલસીશ્‍યામ મંદિરે જવા માટે ઉના અને જૂનાગઢથી પાકા ડામર રોડની સુવિધા છે. એસ.ટી.ની અનેક બસો દિવસભર આ રૂટ પર દોડે છે. મંદિરમાં વિશાળ ધર્મશાળા, વિનામૂલ્‍યે ભોજનશાળા ઈત્‍યાદિ સુવિધા છે. રાત્રીના ૮ થી સવારના ૬.૩૦ સુધી વન વિભાગના કાયદા મુજબ તુલસીશ્‍યામ આવવા-જવાનો રસ્‍તો બંધ રહે છે. પ્રકૃતિના રૂપ મહી રૂપ હરી તણા સમાતા,પ્રભુની ઈચ્‍છાએ કરીને શિતળ વાયુ વાતા. પ્રકૃતિમાં ઈશ્વરનું રૂપ અને ઈશ્વર પ્રકૃતિમાં એવી એક બીજાની પુરકતા દર્શાવતા ગાંડી ગીરમાં વસેલા ધામ તુલસીશ્‍યામની ભૌગોલિક સ્‍થિતિ જોતા એવુ પણ ફળીભૂત થાય છે કે, ઈશ્વરને પ્રકૃતિ ઉપર ખૂબ જ પ્રેમ છે અર્થાત ભગવાન પણ પ્રકૃતિ પ્રેમી છે. અન્‍ય તીર્થ સ્‍થળો કરતા કંઈક વધારે પડતી શોભા અને લીલી ઘનઘોર વનરાઈ તથા ચારે તરફ ઉભેલા રળીયામણા ડુંગરોની શોભાથી આ ધરતી કંઈક અદકેરૂ દીસે છે. લીલાછમ્‍મ વૃક્ષો જાણે વાતા સુગંધી વાયરાની સંગાથે લળી લળીને ભગવાન શ્‍યામના ઓવરણા લઈ રહ્યા હોય તેવું અદભૂત દ્રશ્‍ય આ તીર્થધામની શોભાને ખૂબ જ દિપાવે છે.

ગીર મધ્યે "શ્યામ "/તુલસી સાથે ગીરના જંગલમાં બિરાજે છે "તુલશીશ્યામ "સિંહ ની ડણક અને મોરના ટહુકા વચ્ચે ભગવાન શ્યામ ના અનોખા દર્શન

સાવજોની ભૂમિ ગીરની મધ્યે આવેલું તુલસીશ્યામ એક ધાર્મિક ઉપરાંત પર્યટન સ્થળ છે

આ મંદિરની ચારેબાજુ સિંહની વસ્તી છે

મંદિર સામે 500 ફૂટની ઊંચાઈએ રૂક્ષ્મણીજીનું મંદિર આવેલું છે

સાવજોની ભૂમિ ગીરની મધ્યે આવેલું તુલસીશ્યામ એક ધાર્મિકની સાથે પર્યટન સ્થળ છે. આ મંદિરની ચારેબાજુ સિંહની વસ્તી છે. સિંહની ડણક અને મોરના ટહુકાથી ગુંજતા આવા વાતાવરણમાં ભગવાન શ્યામ બિરાજમાન છે. અહીં ગરમ પાણીના કુંડ પણ છે. આ મંદિરની સામે 500 થી વધુ ફૂટની ઉંચાઇએ ડુંગર પર રૂક્ષ્મણીજીનું મંદિર આવેલું છે. ભાવિકો અહીં પણ 400 પગથિયાં ચઢીને દર્શને જાય છે. તુલસીશ્યામ મોટર માર્ગે ગિર-સોમનાથ જિલ્લાના ઊના થી 30 કિ.મી., જૂનાગઢ થી 120 કિ.મી. અને રાજકોટ થી 185 કિમીના અંતરે આવેલું છે.



No comments:

Post a Comment